અમદાવાદઃ ગુજરાતની ટાઈટન્સ (જીટી) ટીમે IPL ફાઈનલમાં શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રાજસ્થાનને હરાવીને રોમાંચક વિજય મેળવતા વિજયોત્સવનો હરખભર્યો ઊજાગરો શહેરના યુવાનોએ મોડીરાત સુધી કર્યો હતો. દરમિયાન સોમવારે શહેરમાં સમગ્ર ટીમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરના આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ શો શરૂ થયો અને રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો. ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો રોડ શોમાં જોડાયા હતા. આ પહેલા ગુજરાત ટાઈટન્સની આખી ટીમ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. રોડ શોને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી. રિવરફ્રન્ટ પર હાર્દિક પંડ્યા અને અન્ય ક્રિકેટરોની એક ઝલક જોવા માટે લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન ક્રિકેટરોએ ચાહકોને ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટ્સ આપી હતી.
અમદાવાદ શહેરમાં રોડ શો દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમને આવકારી ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી ઇન્કમટેક્સ તરફ વળી જતા ગાંધી બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ઉભેલા લોકો ગુજરાત ટાઇટન્સની ટીમને જોયા વગર જ પાછા ફર્યા હતા. પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારીએવી ધનવર્ષા પણ કરી અને એને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા. રનર અપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું. ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારીએવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા છે.