અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી અંગારા કતી ગરમી પડી રહી છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે. લોકો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા. ત્યારે જ માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, અને રાજુલામાં તો રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જો કે માવઠા બાદ વાતાવરણમાં અસહ્ય બફારો અનુભવાયો હતો.
રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. પણ ખેડુતો ચિંતિત બન્યા હતા. કારણ કે કેરીના પાકને નુકશાનની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં હાલ સરેરાશ 40થી 42 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. બપોર સુધી લોકોએ આકરી ગરમીનો સામનો કર્યો હતો. ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.અમરેલી, સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિત આસપાસના ગામડામાં ભારે વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીં ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિત ગામડામાં માવઠું પડ્યુ હતું.
જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસેલા કરમોસમી વરસાદના કારણે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડીવાર રાહત અનુભવી હતી. તો બીજી તરફ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.