સુરતમાં સધન પેટ્રોલીંગના પોલીસના દાવાઓ વચ્ચે ધોળા દિવસે લગભગ એક કરોડથી વધુની લૂંટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન સુરતમાં ગોલ્ડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી એક કરોડની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્કૂટર ઉપર આવેલા 3 બુકાનીધારીઓએ વેપારીને તિક્ષણ હથિયાર બતાવીને થેલાની ચૂંટણી ચલાવી હતી. થેલામાં એક કરોડથી વધુની રોકડ રકમ હોવાનું મનાઈ રહ્યું છે. સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગના પોલીસ દ્વારા દાવા કરવામાં આવે છે. દરમિયાન લૂંટની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.
પ્રાથમિક માહિતી અનુસાર સુરતમાં ગોલ્ડ રિફાઇનરીનું કામ કરતા વેપારી મહિધરપુરા કંસારા શેરીમાંથી એક થેલા સાથે પસાર થતા હતા. દરમિયાન સફેદ સ્કૂટર ઉપર આવેલા ત્રણ બુકાનીધારીઓએ વેપારીને ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વેપારી પાસેથી થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લૂંટ કરીને ભાગતા ત્રણ શખ્સો કેમેરામાં કેદ થયાં હતા. તેમણે ચહેરા પર રૂમાલ બાંધેલો હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. પોલીસના હાથે લાગેલા સીસીટીવી કેમેરાથી પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. જો કે, વેપારીના થેલામાં સોનુ હતું કે રોકડ રકમ હતી તે અંગે હજુ કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ એક કરોડની મતા હોવાનું જાણવા મળે છે. પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર સોનાની ડિલીવરીના લગભગ એક કરોડથી વધુની રોકડ રકમ થેલામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.