અમદાવાદઃ રાજ્યમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા લીંબડી-રાજકોટ હાઇવે પર અંદાજે 7 જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં અંદાજે 5થી 6 ગાડીઓ લૂંટાઇ હતી. જેમાં રોકડા અને સોના ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. એક લાખથી વધુની લૂંટની ઘટના બનવા પામી હતી. લીંબડીના છાલીયા તલાવ નજીકના આ બનાવમાં હાઈવે પર જઈ રહેલા અંદાજે 5 થી 6 વાહનોને રોકી ડ્રાઈવર અને કલીનરને માર મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હોવાની જાણવા મળ્યુ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી – રાજકોટ હાઇવે પર રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળામાં અંધારામાં અંદાજે 7 જેટલા અજાણ્યા શખસોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લૂંટ ચલાવી હાઇવે પરના આઇશર અને ટ્રકો સહિતની ગાડીઓને આંતરીને રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. રાત્રીના અંધારામાં લૂંટ ચલાવી રિવોલ્વર, તલવાર અને છરી સાથે આવેલા સાત જેટલા લૂંટારાઓ પોતાના વાહનમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દાડી ગયો હતો. અને લૂંટારા શખસોને કડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અંગે હાઇવે પર લૂંટનો ભોગ બનનારા આઇશર ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, અમે લોકો અમારી સફેદ કલરની આઇશર લઇને વાંકાનેરથી ચીખલી તરફ જઇ રહ્યાં હતા ત્યારે લીંબડી મેલડી માતાના મંદિર નજીક અમે અગરબત્તી કરવા ગાડી ઉભી કરી હતી ત્યાં લૂંટારાઓ ગાડી ચાલકને પકડીને લઇ ગયા બાદ મને પણ પકડીને લઇ ગયા હતા અને પછી અમને બંનેને બાંધીને લાકડીથી માર મારી રાત્રે એક વાગ્યે પકડીને ત્રણ વાગ્યે છોડ્યા હતા. મારી પાસેના રૂ. 12,000 અને ગાડીમાં રાખેલા રૂ. 20,000 મળી કુલ રૂ. 32,000ની લૂંટ ચલાવી હતી. અન્ય ટ્રકના ક્લીનરે જણાવ્યું કે, અમે ગાડી લઇને લીંબડીથી ગોંડલ જઇ રહ્યાં હતા ત્યારે લીંબડી નંદનવન હોટલ પાસે રસ્તામાં ઉભેલી 3-4 ગાડીઓમાંથી કોઇકે અમારી ગાડી પર જોરદાર પથ્થરનો ઘા કર્યો હતો. બાદમાં અમે ગાડી ઉભી રાખતા પહેલા એ લોકોએ ગાડીના ડ્રાઇવરને પકડ્યો હતો. બાદમાં 3 જણાએ મને પકડીને માથે રીવોલ્વર તાંકી બાંધી દીધો હતો. અને મારી પાસેથી ચાંદીની લક્કી, 3 વીંટી અને સોનાની ચેન અને રૂ. 7000 રોકડાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. અંદાજે સાતથી આઠ જેટલા લૂંટારૂઓ પાસે રીવોલ્વર, તલવાર અને 2થી 3 જેટલા ચપ્પા હતા. આ લૂંટારાઓએ હાઇવે પર અંધારામાં અમારા સહિત પાંચથી છ ગાડીઓ લૂંટી અંધારામાં અદ્રશ્ય થઇ ગયા હતા. આ લૂંટની ઘટના રાત્રીના એકથી ચારના ગાળામાં બની હતી.