રોબોટ કાચબાથી યુદ્ધમાં સૈનિકો સુધી પહોંચાડાયા વિસ્ફોટક અને હથિયાર, જાણો ક્યાં દેશે કર્યું સૌથી પહેલું આ કારનામું?
મોસ્કો: રશિયાએ વિશ્વમાં પહેલીવાર યુદ્ધના મેદાનમાં દારૂગોળો પહોંચાડવા માટે રોબોટ કાચબાનો ઉપયોગ કર્યાનો દાવો કર્યો છે. રશિયાનો દાવો છે કે તે કોઈ રોબોટ દ્વારા યુદ્ધમાં શસ્ત્રો પહોંચાડનારો દુનિયાનો પહેલો દેશ બની ચુક્યો છે. રશિયા ખાતેની રોબોટ ડેવલપર કંપની અરંગોના સીઈઓ કોન્સ્ટેન્ટિન બાગદાસરોવે રશિયાની સરકારી મીડિયા એજન્સી આરઆઈએ નોવોસ્તીને જણાવ્યું કે ટર્ટલનો ઉપયોગ લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકમાં કરવામાં આવ્યો હતો, જે 2022માં આક્રમણ શરૂ થયા બાદથી યુદ્ધક્ષેત્ર બનેલું છે. આ રોબોટ કાચબો પાંચ કિલોમીટરની રરેન્જમાં 500 કિલોગ્રામ ભાર વહન કરી શકે છે.
રશિયન રોબોટ ડેવલપર કંપનીના સીઈઓનું કહેવું છે કે ટર્ટલ રોબોટનો પ્રોટોટાઈપ હવે લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકમાં રશિયન સૈનિકોના યૂનિટ સાથે એક અગ્રિમ મોરચા પર કામ કરી રહ્યો છે. તેનું મુખ્ય કામ દારુગોળો અને ભોજન પહોંચાડવાનું છે. વિશેષપણે રોબોટ મોર્ટાર ક્રૂમ માટે ગોળા પહોંચાડી રહ્યો છે. રશિયાની સેના આ રોબોટ ટર્ટલના કામથી સંતુષ્ટ છે. ગરમી પેદા નહીં કરવાને કારણે દુશ્મનના હીટ સીકિંગ રડાર પણ તેને ઓળખી શકતા નથી.
અર્ગોના સીઈઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ રોબોટને તેની મર્યાદીત ગતિને કારણે ટર્ટલ નામ અપાયું છે. તે પાયદળના સૈનિકો માટે ડિઝાઈન કરાયો છે. તેની ટોપ સ્પીડ માત્ર 10 કિલોમીટર છે. જો કે તે સરેરાશ 6થી 7 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જ પ્રવાસ કરે છે. તેથી દુશ્મન તેને આસાનીથી જોઈ શકતા નથી. બાગદાસરોવે કહ્યુ છે કે રોબોટ તે રેડિયો ટેગને ફોલો કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે છે, કે જ્યાં સૈનિકોનો સમૂહ લઈ જાય છે.
અર્ગો રોબોટ ડેવલપર કંપનીએ કહ્યુ છે કે તે ભવિષ્ય માટે પણ ઘણાં રોબોટ પર કામ કરી રહ્યા છે. નવા રોબોટની પાસે ક્ષેત્રનો ઈલેટ્રોનિક મેપ, ગ્રાઉન્ડ સ્કેનિંગ માટે રડાર અને સેટેલાઈટ કમ્યુનિકેશન લાગેલું હશે. તે વાહન મોટું હશે અને તેમાં અલગ ચેસિસ, પૈંડા અને ટ્રેક હશે. આ રોબોટ બાબતે ઘોષણાં ત્યારે કરવામાં આવી છે, જ્યારે કેટલાક દિવસ પહેલા જ એક રશિયન સોશયલ મીડિયા એકાઉન્ટમાં માનવરહિત જમીની વ્હિકલ – યુજીવી દુશ્મનના ડ્રોન હુમલાથી બચીને એક ઘાયલ સૈનિકને કાઢતું જોવા મળ્યું હતું.