- કાબુલમાં અમેરિકન દૂતાવાસ પર તાલિબાનોનો રોકેટ હુમલો
- 9/11 હુમલાની 18મી વરસીએ કાબુલમાં હુમલો
- અમેરિકા-તાલિબાનો વચ્ચે તાજેતરમાં સ્થગિત થઈ છે વાતચીત
અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર આતંકી હુમલાની 18મી વરસી પર અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મોટા વિસ્ફોટના અહેવાલ છે. આ વિસ્ફોટ કાબુલ ખાતેના અમેરિકન દૂતાવાસ નજીક થયો છે. હજી સુધી કોઈ સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટના સ્થાન પર ધુમાડો જોવો મળ્યો છે. ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યુ છે કે આ એક પ્રકારનો રોકેટ બ્લાસ્ટ હતો.
આ હુમલો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન નેતાઓ સાથેની શાંતિ વાટાઘાટો રદ્દ કરવાના નિર્ણય બાદ થયો છે. આ વાટાઘાટો 8 સપ્ટેમ્બરે કેમ્પ ડેવિડ ખાતે થવાની હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાબુલમાં 5 સપ્ટેમ્બરે થયેલા કાર વિસ્ફોટમાં એક અમેરિકન સૈનિક સહીત 12 લોકોના મોત બાદ આ નિર્ણય કર્યો છે.
આ પહેલા અફઘાનિસ્તાનના મેડન વર્દક પ્રાંતમાં અમેરિકાની એરસ્ટ્રાઈકમાં લગભગ સાત નાગરીકોના મોત નીપજ્યા હતા. આ હુમલો રવિવારે થયો હતો. અફઘાન ન્યૂઝ એજન્સી પ્રમાણે, પ્રાંતના નિવાસીઓએ સરકારને ઘટનાની તપાસ કરવાની અપીલ કરી છે.