દિલ્હી:રાજધાનીમાં ગેરકાયદે રોહિંગ્યા લોકોને ફ્લેટ આપવાના મામલે ગૃહ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે.તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં રોહિંગ્યા રહે છે, તેઓ ત્યાં જ રહેશે.તેમને ફ્લેટ આપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે નવી દિલ્હીના બકરવાલામાં ગેરકાયદે રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ આપ્યો નથી.દિલ્હી સરકારે રોહિંગ્યાઓને નવા સ્થળે ખસેડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે,રોહિંગ્યા વર્તમાન સ્થાને જ રહેશે કારણ કે મંત્રાલયે પહેલાથી જ વિદેશ મંત્રાલય દ્વારા સંબંધિત દેશ સાથે ગેરકાયદેસર વિદેશીઓના દેશનિકાલનો મુદ્દો ઉઠાવ્યો છે.ગેરકાયદેસર વિદેશીઓને કાયદા મુજબ તેમના દેશનિકાલ સુધી અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવે છે.દિલ્હી સરકારે હાલના સ્થળને ડિટેન્શન સેન્ટર તરીકે જાહેર કર્યું નથી.તેને તાત્કાલિક કરવા સૂચના આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે દિલ્હી સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે રોહિંગ્યાઓ જ્યાં છે ત્યાં જ રહે. આ રોહિંગ્યાઓને તેમના દેશમાં મોકલવા અંગે ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય દ્વારા તેમના દેશો સાથે વાત કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને તેમના દેશમાં મોકલવામાં ન આવે ત્યાં સુધી તેમને અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવશે.