દિલ્હીઃ રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા શૂટઆઉટની ઘટનામાં પોલીસ તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. ગોગીની હત્યાનું કાવતરુ ઘણા મહિના પહેલા જ ટિલ્લુ અને તેના ખાસ સાગરિત ઉમંગ યાદવ સહિતના સભ્યોએ ઘડ્યું હતું. એટલું જ નહીં વકીલના નામે કોર્ટ સંકુલમાં પ્રવેશ માટે ઉમંગે જ સ્ટીકરની વ્યવસ્થા કરી હતી. મોટરકાર ઉપર વકીલનું સ્ટીકર હોવાથી ઉમંગ અને હુમલાખોરો સરળતાથી પોલીસથી બચીને કોર્ટ સંકુલમાં પ્રવેશ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રોહિણી કોર્ટમાં શૂટઆઉટના કેસમાં આરોપીઓને આશરો આપનારા ગેંગસ્ટર ટિલ્લુના સાગરિત ઉમંગ યાદવ ટિલ્લુના સતત સંપર્કમાં હતો. ઉમંગને પોતાના વિસ્તારમાં અનેક લોકો સાથે અદાવત હતી. જેથી તે ટિલ્લુના શરણમાં જવા માંગતો હતો જેથી તાજપુરના કુખ્યાત ઉમેશ કાલાએ તેની ઓળખ ટિલ્લુ સાથે કરાવી હતી. આરોપી ઉમંગે કોર્ટના એક વકીલના નામે કોર્ટની કારનું સ્ટીકલ લીધું હતું. જીતેન્દ્ર ગોગીની હત્યાને અંજામ આપવા માટે કારમાં કોર્ટ સંકુલમાં પહોંચવા માટે આરોપીએ સ્ટીકરની વ્યસ્થા કરી હતી. ગોગીની હત્યાનું કાવતરુ ઘણા મહિના પહેલા જ ઘડી નાખવામાં આવ્યું હતું.
ઉમંગ ગણતરીના દિવસોમાં જ ટિલ્લુનો ખાસ બની ગયો હતો. તેમજ જેલમાં બંધ ટિલ્લુના તમામ કામ તેને સંભાળી લીધા હતા. ટિલ્લુને જેલમાં કપડા-શૂઝ પહોંચાડવા અને તેને કોઈની મળવવાનું કામ પણ યાદવ કરતો હતો. એટલું જ નહીં ગેંગના સાગરિતોને પૈસા આપવાનું કામ પણ ઉંમગ કરતો હતો. ઉમંગ અવાર-નવાર ટિલ્લુના અલીપુર સ્થિત ઘરે પણ જતો હતો. જ્યાં તેના મોટાભાઈ રવિન્દ્ર પાસેથી નાણા લેતો હતો. એટલું જ નહીં ટિલ્લુના કહેવા ઉપર ઉમંગ ખંડણી પણ વસુલતો હતો. આ ઉપરાંત ઉમંગ પોતાની પાસે હથિયાર પણ રાખતો હતો. પોલીસે ઉમંગ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યાં છે.
ઉમંગે પોલીસને જણાવ્યું હતું કે, જીતેન્દ્ર ગોગીની હત્યાનું કાવતરુ ઘણા મહિના પહેલા જ ઘડવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં હુમલાખોરોને આશરો આપનારા ઉમંગ અને વિનયને સ્પેશિયલ સેલે ઝડપી લીધા છે. બીજી તરફ પોલીસ હજુ આ પ્રકરણમાં એક નેપાળી યુવાનની શોધખોળ કરી રહી છે. યુવાન નેપાળનો રહેવાસી નથી પરંતુ તેનો ચહેરો નેપાળી લોકો જેવો હોવાથી તેને લોકો નેપાળી તરીકે જ ઓળખતા હતા.