T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી બન્યા રોહિત શર્મા
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીતના પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી છે.
રોહિતે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ICC T-20 વર્લ્ડ કપની સુપર 8 મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. રોહિતે 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 92 રનની તોફાની ઇનિંગ રમી હતી. 157 મેચોમાં, અનુભવી ઓપનિંગ બેટ્સમેને 32.03ની એવરેજ અને 140.75ના સ્ટ્રાઈક રેટથી 4,165 રન બનાવ્યા છે. રોહિતની આ સિદ્ધી બાદ પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ અને વિરાટ કોહલી આ સિદ્ધિમાં પાછળના ક્રમે આવી ગયા છે. બાબર 123 મેચમાં 41.03ની એવરેજથી 4,145 રન બનાવ્યા બાદ બીજા સ્થાને સરકી ગયો છે, જ્યારે કોહલી 123 મેચમાં 48.84ની એવરેજથી 4,103 રન બનાવ્યા બાદ ત્રીજા સ્થાને સરકી ગયો છે.
આ સિવાય આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યા બાદ રોહિતે કેપ્ટન તરીકે તેની 48મી T20 ઈન્ટરનેશનલ જીત હાંસલ કરી હતી. બાબરે 85 મેચોમાં T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં પાકિસ્તાનના કેપ્ટન તરીકે 48 જીત પણ નોંધાવી છે.
મેચની વાત કરીએ તો આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પાંચ વિકેટે 20 ઓવરમાં 205 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 181 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવ્યુ હતુ.