નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા ફિટ થઈ ગયો છે. કેપ્ટને આઠમી નવેમ્બરના રોજ એડિલેટમાં પ્રેકટીસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન આજે શર્માએ પોતે ફીટ હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈજા થઈ હતી પરંતુ હાલ ફીટ છું.
રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, નોકઆઉટ મેચ મહત્વપૂર્ણ રહેશે. આ મેચમાં સારુ પ્રદર્શન કરવુ જરૂરી છે. નોકઆઉટ મેચમાં સારા પ્રદર્શનથી આત્મવિશ્વાસ વધે છે. રોહિત શર્માને નેટમાં થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ એસ.રઘુ અભ્યાસ કરાવતા હતા આ દરમિયાન એક બોલ રોહિતના હાથમાં વાગ્યો હતો.
રોહિત શર્માએ વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. શર્માએ કહ્યું હતું કે, સૂર્યકુમાર યાદવએ યોગ્ય રીતે પોતાની જવાબદારી ઉઠાવી છે. તેની બેટીંગમાં પરિપકવતા જોવા મળે છે અને તેની અસર તેમની સાથે બેટીંગ કરતા ખેલાડીમાં જોવા મળે છે. તે મોટા મેદાન ઉપર રમવાનું પસંદ કરે છે કેમ કે નાના મેદાનમાં ગેપ સરળતાથી મળતી નથી.
આઈસીસી વર્લ્ડકપમાં ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયા સૌથી વધારે મેચ જીતીને પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે પાકિસ્તાન પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું હતું. આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે. આ મેચમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવે છે, ત્યારે હવે ભારતીય ખેલાડીઓના પ્રદર્શન ઉપર તમામની નજર મંડાયેલી છે. સૂર્યકુમાર અને વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓને ખુશ કરી દીધા છે.