પોલીસ દળની સૌથી મોટી સફળતામાં હ્યુમન ઇન્ટેલિજન્સનો રોલ ખૂબ મહત્ત્વપૂર્ણઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના 230 બિનહથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન મુખ્ય ભૂમિકા નિભાવે છે, તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્ય તરીકે ગરિમા વધારી છે. ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ શહેર પોલીસમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા અમદાવાદ શહેરના 230 બિન હથિયારી પુરુષ તાલીમાર્થીઓ પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કરી રહ્યા હતા.
આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે જ્યારે સમાજમાં વિવિધ વ્યવસાયો માટે યુવાઓમાં ઝોક વધુ જોવા મળે છે તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનોની ભાવના અભિનંદનીય છે. રાજ્યના વિવિધ શહેરોમાં આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના 5373 યુવાનો અને યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યાં છે.
રાજ્યના પોલીસ દળનો ભાગ બનવા જઈ રહેલા પોલીસ જવાનોને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આવનારા સમયમાં આ તમામ પોલીસના જવાનોને રાજ્યમાં પોસ્ટિંગ મળશે, ત્યાં તેઓએ પોતાના વિસ્તારોમાં ખૂબ જ સારી રીતે સંબંધો બનાવવા પડશે અને હ્યુમન ઇન્ટેલિજન્સનું માળખું સારી રીતે તૈયાર કરવું પડશે કેમકે પોલીસ દળને જ્યારે મોટી સફળતા મળતી હોય છે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો રોલ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. ગૃહ મંત્રીએ આજે શપથ લેનારા ૨૩૦ પોલીસ જવાનો રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે રાજયની શી ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્યની શી ટીમ દ્વારા પણ ખૂબ જ સહરાનીય કામગીરી કરવામા આવી રહી છે. શી ટીમ દ્વારા રાજ્યના ધણા નાગરિકોને આત્મહત્યા કરતા અટકાવ્યા છે અને તેઓને નવું જીવન પણ આપ્યું છે. આ અવસરે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી ગૃહ રાજ્યમંત્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.