Site icon Revoi.in

રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ,200 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ફૂટબોલર બન્યો

Social Share

મુંબઈ : પોર્ટુગલના કેપ્ટન અને મહાન ફૂટબોલ ખેલાડીઓમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આઇસલેન્ડ સામેની યુરો 2024 ક્વોલિફાઇંગ મેચમાં પણ રોનાલ્ડોએ આ પ્રસંગને ખાસ બનાવ્યો હતો. તેણે મેચના અંત પહેલા 89મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી જીત અપાવી હતી.

38 વર્ષીય રોનાલ્ડોએ પોતાના ડેબ્યૂના લગભગ 20 વર્ષ બાદ પોર્ટુગલ માટે 200 મેચ પૂર્ણ કર્યા છે. આઇસલેન્ડ સામેની મેચ પહેલા આ સિદ્ધિ બદલ તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રોનાલ્ડોનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. રોનાલ્ડોએ પોર્ટુગલને ગ્રુપ Jમાં ચોથી જીત અપાવી. ટીમે ચાર મેચમાં ચાર મેચ જીતી છે. રોનાલ્ડોના હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર 123 ગોલ છે.

200 મેચ રમ્યા પછી રોનાલ્ડોએ કહ્યું કે, “હું ખૂબ જ ખુશ છું. તે એક પ્રકારની ક્ષણ છે જેની તમે ક્યારેય અપેક્ષા રાખતા નથી. 200 આંતરરાષ્ટ્રીય મેચ મારા માટે અવિશ્વસનીય સિદ્ધિ છે.” રોનાલ્ડો સહિત તેની ટીમે મેચમાં ઘણી તક ગુમાવી, પરંતુ અંતે પોર્ટુગલની ટીમને સફળતા મળી. રોનાલ્ડોએ આ મેચથી ફરી એકવાર સાબિત કર્યું કે તે યુરો 2024 માટે તૈયાર છે.

સૌથી વધુ મેચોની વાત કરીએ તો કુવૈતનો બદર અલ મુતવા રોનાલ્ડો પછી બીજા ક્રમે છે. તેણે 196 મેચ રમી છે. મેસ્સી 175 મેચો સાથે આ યાદીમાં 11માં સ્થાને છે જ્યારે ભારતના સુનીલ છેત્રી 137 મેચ રમી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય ગોલના મામલામાં રોનાલ્ડો પછી ઈરાનના પૂર્વ ફૂટબોલર અલી દેઈનું નામ આવે છે. તેણે 148 મેચમાં 109 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં આ રેકોર્ડને તોડ્યો હતો.