ગુજરાતમાં વધુ એક ધાર્મિક સ્થળે રોપ-વેની સુવિધા કરાશે શરૂ
- સીએમ રૂપાણીએ કરી જાહેરાત
- ચોટીલામાં શરૂ કરાશે રોપ-વે સેવા
અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સુધી રોપ-વે સેવાનો શુભારંભ થયા બાદ હવે આગામી દિવસોમાં અન્ય ધાર્મિક સ્થળ ચોટીલામાં પણ રોપ-વે સેવાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વિધાનસભા ગૃહમાં ચોટીલામાં રોપ-વે માટે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને જૂનાગઢમાં રોપ-વેની સુવિધા છે. થોડા દિવસો પહેલા જ જૂનાગઢમાં રોપ-વેની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ચોટીલામાં ભક્તોને માતાજીના દર્શન માટે રોપ-વેની સુવિધા પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ ચોટીલા ડુંગર પર રોપ-વે બનાવવાની મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં રોપ-વેની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધાર્મિક સ્થળોનો વિકાસ થયો છે. જેનો શ્રદ્ધાળુઓની સાથે સ્થાનિકોને પણ લાભ મળ્યો છે. તેમજ રોજગારીની નવી તકો પણ ઉભી થઈ છે.