અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન જૂનાગઢમાં પણ ભારે પવન ફુંકાયો હતો. જેના પગલે સતત બીજા દિવસે પણ ગિરનાર પર્વત પર રોપ-પે સેવા બંધ રાખવામાં આવી હતી. પવનની ગતિ ધીમી પડ્યાં રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. બીજી તરફ રોપ-વે સેવા બંધ કરવામાં આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. આ ઉપર ભારે પવન ફુંકાયો હતો. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રોપ-વે સેવાને બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. તેમજ આજે સતત બીજા દિવસે પણ રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. ગિરનાર પર્વત ખાતે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જો કે, રોપ-વે સેવા બંધ હોવાનું જાણીની શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયાં હતા. તેમજ પગથિયા ચડીને પર્વત ઉપર આવેલા મંદિરો ખાતે પહોંચ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આકાશમાં વાદળ છવાયાં હતા. તેમજ કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.