યાત્રાધામ પાવાગઢમાં ભારે પવનને લીધે રોપવે બંધ કરાતા રિફન્ડ લેવા લોકોએ હોબાળો કર્યો
વડોદરાઃ યાત્રાધામ પાવાગઢમાં અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવી રહ્યા છે. ઘણા યાત્રાળુંઓ રોપ-વેમાં બેસીને ડુંગર પર જઈને દર્શને જતાં હોય છે. પાવાગઢમાં જોરદાર પવન ફૂંકાતા સાવચેતી સલામતીના ભાગરૂપે બપોરે 2 વાગ્યે ઉડ્ડન ખટોલા બંધ કરવાની ફરજ પડી હતી. એક સમયે રોપવેમાં રિટર્ન ટિકિટ લઇ ઉપર પહોંચેલા યાત્રીઓને પરત ફરતા રોપવે બંધ હોવાનું જાણવા મળતા યાત્રાળુઓ રોષે ભરાયા હતા. અને રિફંડ બાબતે રકઝક થવા પામી હતી. અતે રોપવે સંચાલકોએ રિફન્ડ પરત કર્યું હતું.
બુધવારે બપોરે પછી 400 જેટલા યાત્રાળુઓ રિર્ટન ટિકિટ મેળવી રોપવેમાં ડુંગર પર પહોંચી માતાજીના દર્શન કરી પરત જવા રોપવે સ્ટેશન પર આવ્યા હતા. જયાં ફરજ પરના કર્મચારીએ વાતાવરણને લઇ રોપવે સેવા બંધ કરી હોવાનું જણાવતા યાત્રાળુઓ પગપાળા નીચે ઉતરી રોપવે ઓફિસે પોહચ્યા હતા. જ્યાં પહોંચી ટિકિટનું રિફન્ડ માંગતા સંચાલકો સાથે ભારે રકઝક થઇ હતી અને ભારે હોબાળો મચ્યો હતો. જો કે લાંબી માથાકૂટ બાદ રોપવે સંચાલકો દ્વારા યાત્રાળુઓને રિટન ટિકટ નું રિફન્ડ આપતા મામલો થાળે પડ્યો હતો. રોપ-વે સંચાલકો દવારા જણાવાયું હતું કે, ભારે પવન-વરસાદને લઇ રોપવે બંધ કરવો પડ્યો હતો. ચાલીને નીચે ઉતરેલા યાત્રાળુઓએ રોપવે ઓફિસ પાસે આવી હોબાળો કરી ટિકિટનું રિફન્ડ માગ્યું હતું. થોડી રકઝક બાદ ટિકટનું રિફન્ડ આપી દેવામાં આવ્યું હતું. રોપવે સેવા માત્ર ભારે પવનને લઈ બંધ કરાઈ હોય છતાં અફવા બજાર પણ ગરમ થવા પામ્યું હતું.