Site icon Revoi.in

IPL 2021 ઉપર કોરોનાનું સંકટઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખેલાડી ડેનિયલ સૈમ્સ કોરોના સંક્રમિત

Social Share

મુંબઈઃ ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. તેમજ વિવિધ ટીમના ખેલાડીઓએ  પણ આઈપીએલની પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીનો પ્લેયર ડેનિયલ સૈમ્સ સિરિઝના પ્રારંભ પહેલા જ કરોના સંક્રમિત થતા કેપ્ટન વિરાટ કોહલીને ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ આરસીબીના એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે વધુ ક્રિકેટર કોરોના સંક્રમિત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ખેલાડી ડેનિયલ સૈમ્સનો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો છે. અગાઉ આરસીબીનાં ઓપનર બેટ્સમેન દેવદત્ત પડીક્કલ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતુ. સૈમ્સને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે.

આરસીબીએ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, તા. 3 એપ્રિલે જ્યારે ડેનિયલ સૈમ્સ ચેન્નઈની ટીમ હોટલમાં પહોંચ્યો હતો, ત્યારે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેનો બીજો ટેસ્ટ રિપોર્ટ 7 એપ્રિલે આવ્યો હતો, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ડેનિયલ સૈમ્સે ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે અગાઉ તે દિલ્હી કેપિટલ્સ માટે આઈપીએલની ત્રણ મેચ રમી ચૂક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તા. 10મી એપ્રિલથી આઈપીએલની મેચ રમાવવાની છે. અહીં દસ જેટલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે રાત્રિ કર્ફ્યુ દરમિયાન આઈપીએલની ટીમોને રાહત આપી છે. જો કે, વાનખેડે સ્ટેડિયમના કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો હતો.