રૂપાલાના મુદ્દે ક્ષત્રિય સમાજની લડતને રાજવી પરિવારોએ આપ્યો ટેકો, આજે કોર કમિટીની બેઠક
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં વિવાદાસ્પદ કરેલા ઉચ્ચારણો બાદ વિરોધ થતાં તેમણે બેવાર માફી પણ માગી છે. છતાયે ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ ઠંડો પડતો નથી. અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજે માગ કરી છે. દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડવાની જવાબદારી ઉતેળિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહને સોંપાઈ છે. આજે શનિવારે રાજવીઓ એકત્રિત થઈ રૂપાલા વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ-કોન્ફરન્સ કરશે. ત્યાર બાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. જેમાં વિરોધના વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. અને રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ બન્યો છે. બીજીબાજુ ભાજપ રૂપાલાને બદલવા માગતો નથી. ક્ષત્રિય સમાજ લડત ચલાવી રહ્યો છે. તેને રાજવી પરિવારોએ ટેકો જાહેર કર્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ સહિત ગોધરામાં પણ મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ઉપરાંત 7 એપ્રિલને રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન મળશે. તમામ કાર્યક્રમોને લઈ રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ ગુજરાત આવી રહ્યા છે.
ઉતેળિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહે જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન કરાયું છે, જેને લઈ રાજવી પરિવારો ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. રાજવી પરિવારોએ દેશની લોકશાહીમાં ઘણું સમર્પણ કર્યું છે. ત્યારે આ રીતના નિવેદનથી ખૂબ જ દુઃખ લાગ્યું છે. તમામ રાજવીઓ દ્વારા ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં સમાજને જરૂર પડશે ત્યાં ત્યાં અમે તેમની સાથે ઊભા છીએ. સંસ્થાઓ દ્વારા જે પણ આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે અથવા કાર્યક્રમ આપવામાં આવશે, તેમની સાથે રહીશું. દરમિયાન રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીના સભ્ય કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આજે 6 એપ્રિલને શનિવારે રાજકોટ ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક મળશે, જેમાં ગુજરાતની રાજપૂત સમાજની સંસ્થાના આગેવાનો મળશે, જ્યાં મહાસંમેલન તેમજ અન્ય આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.