નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધ કરાયેલી 2000 રૂપિયાની 97.76% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે હાલમાં માત્ર 7,961 કરોડ રૂપિયાની 2000ની નોટ લોકો પાસે છે. RBIએ નિવેદનમાં કહ્યું કે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. દિવસના અંતે બજારમાં ઉપાડેલી રૂ. 2000ની નોટોનું મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું. હવે 30 એપ્રિલ, 2024ના રોજ બજારમાં માત્ર 7,961 કરોડ રૂપિયાની નોટો છે.
જો કે RBIનું કહેવું છે કે 2000 રૂપિયાની નોટો માન્ય છે. દેશભરમાં આરબીઆઈની 19 ઓફિસમાં લોકો રૂ. 2000ની નોટ જમા કરાવી શકે છે અથવા અન્ય નોટો બદલાવી શકે છે. લોકો ભારતીય પોસ્ટ દ્વારા RBIની કોઈપણ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે અને તેના બેંક ખાતામાં સમાન રકમ જમા કરાવી શકે છે. નવેમ્બર 2016માં આરબીઆઈએ રૂ. 1000 અને રૂ. 500ની નોટોને બંધ કર્યા બાદ રૂ. 2000ની નોટો જારી કરવામાં આવી હતી.