અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના 37 જેટલા તળાવોમાં ગંદકી સાફ કરવા માટે મ્યુનિ, 3.60 કરોડનો ખર્ચ કરશે. હાલ અમદાવાદ શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી અને આસપાસ ગેરકાયદે વસવાટના પ્રશ્નો પણ વ્યાપક છે. જેમાં શહેરના 37 તળાવોને સફાઇ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના ચંડોળા તળાવ સહિત અલગ અલગ ઝોનના કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. 3.60 કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. જેમાં મહિનામાં એક વખત તળાવની સફાઈ કરવાની રહેશે. તળાવમાં કચરો જમા ન થાય એનું દરરોજ ધ્યાન રાખવાની પણ કોન્ટ્રેક્ટરની જવાબદારી રહેશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં 37 જેટલા તળાવોની સફાઈ માટે નવાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. નવા ટેન્ડરની પ્રક્રિયા થાય એ માટે સમય લાગે એમ હોવાથી ત્રણ મહિના અથવા નવા કોન્ટ્રેકટ અપાય ત્યાં સુધી તળાવોની સફાઈ માટે જૂની બે એજન્સીને કોન્ટ્રેક્ટ આપેલો હતો. શહેરના જુદા જુદા ઝોનમાં આવેલાં તળાવોમાં તરતો કચરો, લીલ, વેલ, ઘાસ અને તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન જોવા મળ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ તળાવોની સફાઈ તરફ ધ્યાન જ આપતા ન હતા, જેની ફરિયાદ ઊઠતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શહેરના વિકાસને લઇ અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારે શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની સૂચના આપી હતી, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના બે વર્ષ માટે તળાવોની સફાઈ કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાલી ચંડોળા તળાવની સફાઈ પાછળ રૂ. 24 લાખ ખર્ચવામાં આવશે. સૌથી વધુ રૂ. 1 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં આવતાં 10 તળાવની સફાઈ થશે, જેમાં માત્ર લાંભા વોર્ડમાં જ 6 તળાવ આવેલાં છે. ત્યાર બાદ મહિનામાં સફાઈ માટે જરૂરી પ્લાનિંગ કરી અને તરતો કચરો, લીલ, વેલ, ઘાસ દૂર કરવાનાં રહેશે.
કોન્ટ્રાક્ટરોએ તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન ન થાય એ માટે દરરોજ ચેક કરવાનું રહેશે. કચરાનો નિકાલ રેફ્યુજ સ્ટેશન અથવા નિયત જગ્યાએ ન થાય અથવા તળાવની શરતો મુજબ સફાઇ કરવામાં નહિ આવે તો કોન્ટ્રાકટરને પેનલ્ટી ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.તેમજ સફાઇ દરમ્યાન મજૂરોને કાયદા મુજબ જરૂરી સલામતીનાં સાધનો પણ પૂરાં પાડવાનાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓકટોબર માસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ અને અધિકારીઓને સૂચના આપી હતી.