- ક્રીમીલેયર કઢાવવા માટે યુવાનો ની લાઈનો
- વચેટિયાઓ સોગંદનામા માટે પડાવે છે 300 થી 400 રૂપિયા
- સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ
રાજકોટ: જ્યારે કોઈ વિદ્યાર્થીને સરકારી નોકરીની જરૂર હોય અથવા તે કોઈ પણ પ્રકારની તૈયારી માટે પ્રયાસ કરતો હોય છે ત્યારે ક્રીમીલેયર અને નોનક્રીમીલેયર સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે પણ રાજકોટમાં તો આ વિષયને પણ કેટલાક વચેટિયાઓએ ધંધો બનાવી દીધો છે. સમગ્ર વાત એવી છે કે રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની બેરદકારી અને ભ્રષ્ટાચારનો સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. એક તરફ દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. જયારે નોકરી વાંચ્છુક યુવકોની સામે જ વચેટિયાઓ ખુલ્લેઆમ લોકોને કહે છે કે, 350 રૂપિયા આપો, બધું થઈ જશે.
સરકારીમાં આ પ્રકારે જાહેરમાં થતો ભ્રષ્ટાચાર કેટલી હદે યોગ્ય છે!, છતાં પણ જાણે વચેટિયાંના ખુલ્લેઆમ ગોરખધંધા સામે તંત્રે મોંઢામાં મગ ભર્યા હોય તેવી સ્થિતિ સર્જાય રહી છે. આ અંગે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ વીડિયોમાં દેખાઇ રહ્યો છે તે લેભાગુ તત્વ હોવાનું અને ખોટું બોલી રહ્યો છે. આ બનાવને પગલે બહુમાળી ભવનમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે અને લેભાગુ તત્વોને બહાર કાઢવામાં આવશે. હાલ યુવાનોની ભીડને જોતા વધારાની વ્યવસ્થા હાથ ધરાઇ છે. અને ત્રણ વધારે ટેબલ શરૂ કરવામાં આવ્યા છે.