Site icon Revoi.in

RSSના સ્વયંસેવકો બનશે હાઈટેકઃ આઈટી સેલની કરાશે રચના

Social Share

દિલ્હીઃ સામાન્યઃ સોશિયલ મીડિયાથી અંતર રાખનારુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સંગઠનમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર જોવા મળે તેવી શકયતા છે. ભાજપની જેમ આરએસએસ પણ પોતાનો આઈટી સેલ બનાવશે. તેમજ કાર્યકરોને હાઈટેક સુવિધાઓ પુરી પાડશે. આઈટી સેલની રચનાથી આરએસએસનો દરેક કાર્યકર સોશિયલ મીડિયા સાથે જોડાશે અને પોતાની વાત વધારે મજબુતીથી લોકો સમક્ષ મુકી શકશે.

ચિત્રકુડના આરોગ્યધામ પરિસરમાં આરએસએસની ચાર દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની રણનીતિ તૈયાર કરવાની સાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા મુદ્દે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આરએસએસના આઈટી સેલની શરૂઆત અંગે વિચારણા થઈ હતી.

આરએસએસના શીર્ષ પદાધિકારીઓ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે અને એક્ટિવ પણ રહે છે. જો કે, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં શાખાઓ અને સેવા કાર્યો મારફતે કાર્યકરો પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કરે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા સાથે જોડાતા તેઓ સરળતાથી પોતાનો પક્ષ રાખી શકશે.

સોશિયલ મીડિયા મારફતે આરએસએસ સંવાદ માટે મોટુ માધ્યમ બનાવવા જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત કેવી રીતે કરવી તથા લોકોને કેવી રીતે લોકો સુધી પહોંચવુ અને લોકોની ભ્રમણાને કેવી રીતે દૂર કરવી તે અંગે સ્વયંસેવકોને પ્રશિક્ષણ આપવામાં આવશે.

આરએસએસના સૂત્રોના જણાવ્યાં અનુસાર સંઘ મોટી સંખ્યામાં ડિજીટલ સ્વયંસેવક તૈયાર કરશે. આ સ્વયંસેવક સ્થાનિક લેવલે સંઘના વિચારોને અનુસરશે. આમ હવે શાખાના સ્વયંસેવક વર્ચ્યુલ મીટીંગમાં જોડાશે. આ સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરી શકાશે.