સુરત : શહેરમાં આરટીઓની બોગસ રસિદો, આરસી બુક, આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. આરટીઓ કચેરીની બોગસ રસીદો પર બનાવટી સહી સિકક્કા બનાવી, બનાવટી આરસીબુક, આધારકાર્ડ, મતદાન કાર્ડ બનાવી સરકારને આર્થિક રીતે નુકશાન પહોંચાડનારી ગેંગનો પર્દાફાશ ડિંડોલી પોલિસે કર્યો છે. જેમાં પોલીસે પ્રિન્ટર, રોકડ, કોરા આધારકાર્ડ સહિત રૂ 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગેંગ બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી વાહનની ખરીદી કરી બાદમાં લોન ભરપાઈ કરતા ન હતા. બેકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડતા હતા. પોલીસે આ કૌભાંડમાં ત્રણ આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ડિંડોલી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, આગમ રેસિડન્સીમાં રહેતો વિશ્વનાથ સાવ બોગસ આરટીઓની રસીદ પર બોગસ સહી સિક્કાના આધારે વાહનો પર ઓછો ડંડ લઈ ગાડી છોડાવી રહ્યો છે. આ ઉપરાંત બોગસ આધારકાર્ડ અને મતદાન કાર્ડ પણ બનાવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વિશ્વનાથના ઘરે ડમી ગ્રાહક મોકલ્યો હતો. જ્યાં માત્ર 2 હજારમાં બોગસ આરસી બુક કાઢી આપતો હોવાનું બહાર આવ્યું હતું. જે બાતમીના આધારે પોલીસે રેડ પાડી વિશ્વનાથને ઝડપી પાડ્યો હતો. જેને ત્યાથી પોલીસે પ્રિન્ટર, બોગસ આરટીઓની રસીદો, આરસીબુક, પાનકાર્ડ અને મતદાન કાર્ડ, રોકડ મળી કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં વિશ્વનાથ આ આખેઆખું કૌભાંડ મોહમદ આરીફ અને અકબર શેખ સાથે મળી આચરતો હતો. આ કૌભાંડમાં આરટીઓના એજન્ટ પણ સામેલ હતાં. જેમના દ્વારા આરટીઓ દંડની રસીદની કોપી વિશ્વનાથને પહોંચાડતા હતા. બાદમાં આબેહૂબ કોપી બનાવી તેના પર બોગસ આરટીઓના સિક્કા પર મારી દેતો હતો. બાદમાં જેમની ગાડી પોલીસ મથકમાં જમા હોઈ તેવા લોકોને ઓછા દંડની રકમ ભરી વાહનો પોલીસ મથકમાંથી છોડાવી દેતા હતાં. આ ઉપરાંત આરસીબુક બનાવવાના 2 હજાર, બોગસ આધારકાર્ડ અને મતદાન કાર્ડ બનાવવાના રૂ. 1500 રૂપિયા વસુલતો હોવાની બહાર આવ્યું હતું. અગાઉ વર્ષ 2020 માં વિશ્વનાથ ઉમરા પોલીસ મથકમાં ઝડપાયો પણ હતો. હાલ તો પોલીસે વિશ્વનાથની ધરપકડ કરી અન્ય આરટીઓ એજન્ટ મોહમદ સાહ અને અકબર શેખ ને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આખેઆખા કેસમાં જો વિશ્વનાથની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે તો આ કૌભાંડમાં અન્ય કોણ મોટા કૌભાંડીઓ સામેલ છે તે અંગે જાણી શકાશે.