Site icon Revoi.in

અમદાવાદના જપ્ત કરેલા 1442 વાહનમાલિકો પાસેથી RTOએ એક મહિનામાં 47 લાખનો દંડ વસૂલ્યો

Social Share

અમદાવાદઃ  શહેરમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત બાદ પોલીસ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવે છે. વાહનચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ સહિત વાહનોના જરૂરી પુરાવા ન હોય એવા વાહનોને જપ્ત કરીને આરટીઓના હવાલે કરવામાં આવે છે. અને વાહનમાલિકો આરટીઓમાં જરૂરી પુરાવા રજુ કર્યા બાદ દંડ ભરીને વાહનો છોડાવતા હોય છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં માત્ર એક મહિનામાં 1442 વાહન ચાલકો પાસેથી 47.60 લાખનો દંડ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે પૂર ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જા બાદ ડીજીની સુચનાથી રાજ્યના તમામ શહેરોમાં પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વહાનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. અમદાવાદ પણ  ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, લાયસન્સ વિના વાહન ચલાવવું, વાહન ચલાવતા કાગળ ન હોવા સહિતના અલગ અલગ ગુનામાં વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરેલા વાહનચાલક સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે છેલ્લા એક મહિના દરમિયાન સમયાંતરે ડ્રાઈવ યોજીને જે વાહનચાલકો પાસે  ડ્રાઈવિંગ લાયસન્સ ન હોય તેમજ વાહનોના દસ્તાવેજી પુરાવા ન હોય તેવા વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. મહિના દરમિયાન 1,442 વાહન જપ્ત કરીને આરટીઓમાં જમા કરાવ્યા હતા. આ જપ્ત કરેલા વાહનચાલકો પાસેથી આરટીઓ દ્વારા 47,60,157 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડની રકમ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલક એમ બંને પાસેથી વસૂલવામાં આવી છે. RTO દ્વારા પણ અલગથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આશિષ પરમારે જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 1 મહિનામાં કેસ કરીને 47 લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે. લાયસન્સ, બેફામ વાહન ચલાવવું, રોડ સેફ્ટીને લગતા ગુના સહિત ગુના મામલે દંડ લેવામાં આવ્યો છે. અત્યારે RTOની કામગીરી 24 કલાક ચાલુ જ છે. RTO ઇન્સ્પેકટર હાજર રહીને કાર્યવાહી કરી રહ્યા છે.