રાજકોટમાં વાહનો પર લગાવાતી LED લાઈટ સામે RTOની ડ્રાઈવ, વાહનચાલકોને 23000નો દંડ ફટકાર્યો
રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રીના સમયે સૌથી વધુ અકસ્માતોના બનાવો બને છે. ઘણા વાહનો પર આંખોને આંજી દેતી એલઈડી લાઈટો લગાવવામાં આવી હોય છે. તેથી સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતાં અકસ્માતોનો ભોગ બનતા હોય છે. આથી રાજકોટ RTOની ટીમ દ્વારા ગત રાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાતા LED લાઈટ લગાવીને જતા 23 વાહનોને રૂ.23,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટ ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડના કહેવા મુજબ, RTO કચેરીની ટીમ દ્વારા શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાતના સમયે વાહનોની ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વાહનો પર વધારાની LED લાઈટ લગાવીને ફરતા વાહનોને અટકાવવામાં આવ્યા હતા. LED લાઈટ લગાવેલા વાહનોના કારણે રાત્રિ દરમિયાન ડ્રાઈવિંગ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે અને અક્સમાત થવાની શક્યતા વધી જતી હોય છે. આ પરિબળો ધ્યાને રાખીને ડ્રાઈવ રાખવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, RTO કચેરીની ટીમની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન 23 જેટલાં LED લાઈટ લગાવેલા વાહનોને રોકી રૂ. 23,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ LED લાઈટ દૂર કરવા સૂચના આપવામા આવી હતી. હાઈવે ઉપર જે વાહનોમાં વધારાની એલઇડી લાઇટ લગાવેલી હોય છે. તેને કારણે રાત્રિના સમયે સામેથી આવતા વાહનચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને તેને કારણે અનેક વખત ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે આ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે આરટીઓ કચેરીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી.