Site icon Revoi.in

ગાંધીનગર શહેર-જિલ્લામાં આરટીઓએ ઓવર સ્પિડિંગમાં 300 વાહનચાલકોને દંડ ફટકાર્યો

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. હાઈવે, સ્ટેટ હાઈવે અને શહેરી વિસ્તારોમાં વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરેલી છે. છતાંયે વાહનચાલકો ઓવરસ્પિડિંગમાં વાહનો ચલાવતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસને સ્પિડગન આપવામાં આવી છે. ઉપરાંત આરટીઓને પણ ચેકિંગ કરવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન  ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા છેલ્લા એક મહિનામાં 303 જેટલાં સ્પીડ વાયોલેશનના કેસ નોંધીને વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. આરટીઓના 5 ઈન્સ્પેક્ટરોની ટીમે જિલ્લાના જુદાં-જુદાં પોઈન્ટ ખાતે તપાસ હાથ ધરીને એક મહિનામાં જ 303 કેસ કર્યાં છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ઓવરસ્પિડિંગમાં ચલાવાતા વાહનચાલકો સામે આરટીઓએ ઝૂંબેશ હાથ ધરી હતી. અને એક મહિનામાં નિયત કરતા વધુ ગતિએ દોડતા 303 વાહનોને રોકીને વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. જેમાં પ્રતિ વાહન 1 હજાર લેખે તંત્રે અંદાજીત 3.03 લાખ રૂપિયાની રકમનો દંડ ફટકાર્યો છે. જેમાંથી અંદાજીત 38 હજારની વસૂલાત કરવામાં આવી છે. આરટીઓ દ્વારા કરવામાં આવેલા તપાસ દરમિયાન સૌથી વધારે ચિલોડા અને સરખેજ ગાંધીનગર હાઈવે પર ઓવર સ્પીડના કેસ નોંધાયાં હતાં. 24 કલાક હજારો વાહનોની અવર-જવરને કારણે સતત વ્યસ્ત રહેતાં આ બંન્ને રોડ નેશનલ હાઈવે છે. જ્યાં અકસ્માત થવાની સંભાવના પણ વધારે જોવાં મળતી હોય છે. જેથી કરીને આરટીઓ તંત્રે આ સ્થળે ખાસ તપાસ હાથ ધરી હતી. જિલ્લાના અન્ય માર્ગો પર પણ આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.