Site icon Revoi.in

ગાંધીનગરમાં જુના સચિવાયલ બહાર RTO-પોલીસની ડ્રાઈવ, 165 કર્મીઓ દંડાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો હોવા છતાંયે મોટાભાગના દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટના કાયદાનું પાલન કરતા નથી. આથી હાઈકોર્ટે હેલ્મેટના કાયદાના અમલ બાબતે ટકોર કરતા સરકારે હેલ્મેટના કાયદાની અમલવારી કરાવવા માટે ઝૂંબેશ ઙાથ દરી છે.  તેમજ તમામ સરકારી કચેરીઓમાં દ્વીચક્રી વાહનો પર આવતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવીને હેલ્મેટ વિનાના કર્મચારીઓને કચેરીમાં પ્રવેશ ન આપવાની સુચના પણ આપવામાં આવી છે. દરમિયાન પોલીસ અને આરટીઓ દ્વારા ગાંધીનગરના જુના સચિવાલય નજીક ઝૂંબેશ હાથ ધરીને દ્વીચક્રી વાહનો પર હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને અટકાવવામાં આવ્યા હતા. 165 કર્મચારીઓ પાસેથી 1.28 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે કરેલા આદેશને પગલે ગાંધીનગરમાં જુના અને નવા સચિવાલયના પ્રવેશદ્વારે આરટીઓ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડ્રાઇવ યોજવામાં આવી હતી. તેમાં આરટીઓની પાંચ ટીમોએ હેલ્મેટ, ઇન્સ્યોરન્સ, પીયુસી, લાયસન્સ સહિતની તપાસ કરી હતી. જેમાં 165 કર્મચારીઓ ઝડપાતા તેમની પાસેથી રૂપિયા 1.28 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જોકે કર્મચારીઓની કોઇ જ ભલામણ નહીં સ્વીકારીને દંડનીય કાર્યવાહી કરતા કર્મચારીઓ ઉંઘતા ઝડપાયા હોય તેવી સ્થિતિ બની હતી.

ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં થયેલા વધારાને પગલે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના કાયદાને ફરજીયાત કરીને દંડનીય કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. તેમાં સરકારી કચેરીમાં વાહન લઇને આવતા કર્મચારીઓ હેલ્મેટ પહેરે છે કે નહી તેની તપાસ કરીને તેઓની પાસે દંડનીય કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવ યોજવાનો આદેશ કરાયો હતો. જે અંતર્ગત આરટીઓ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જુના અને નવા સચિવાલયના પ્રવેશદ્વાર પાસે ઓફિસ અવર્સ દરમિયાન ટુ વ્હિલર લઇને આવતા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યું હોય નહી તેવા કર્મચારીઓ પાસેથી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં જિલ્લા પોલીસ તંત્રના ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના 96 કર્મચારીઓ પાસેથી રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 48 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. જોકે હેલ્મેટની ડ્રાઇવ ચલાવવાની હોવાથી પ્રાદેશિક આરટીઓ કચેરીના મુખ્ય ઇન્સ્પેક્ટર ડી.બી.વણકર દ્વારા પાંચ આરટીઓ ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને જુના અને નવા સચિવાલયના ગેટ પાસે સ્ટેન્ડ બાય કરીને ડ્રાઇવ કરી હતી. જોકે અમુક કર્મચારીઓ હેલ્મેટ વિના આવ્યા હોવાથી ભલામણ કરતા નજરે પડતા હતા. તેમ છતાં આરટીઓ ઇન્સ્પેક્ટરોની ટીમે કોઇ જ ભલામણ માન્ય રાખી નહી.