ગુજરાતમાં RTOનું સર્વર 10 દિવસથી ઠપ્પ, લોકોને પડતી મુશ્કેલી, કાલથી સેવા રાબેતા મુજબ બનશે
અમદાવાદઃ ગુજરાતમાં RTOની તમામ સેવા ઓનલાઈન કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વિકસાવેલ પરિવહન પોર્ટલની સારથી એપ્લિકેશનથી સેવાઓ ઉપલબ્ધ બનતી હોવાથી પહેલા લોકોને ડ્રાઈવિંગ લાયસન્સના રિન્યુઅલ કે કોઈ કામકાજ માટે RTO કચેરી સુધીનો ધક્કો ખાવો પડતો નથી. પરંતુ છેલ્લા 10 દિવસથી સારથી એપ્લિકેશન ડેટાબેઝના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા RTOની લાયસન્સ સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ છે. કાલે સોમવારે સવારે 6 વાગ્યા બાદ સેવા ફરીથી રાબેતા મુજબ થશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આવેલી તમામ 38 RTO કચેરીના સર્વર છેલ્લા 10 દિવસથી બંધ છે.ભારત સરકાર દ્વારા વિકસાવેલા પરિવહન પોર્ટલની સારથી એપ્લિકેશન ડેટાબેઝના સર્વરમાં ટેકનિકલ ખામી ઉભી થઈ હોવાને કારણે RTOની લાયસન્સ સંબંધિત પ્રભાવિત થઈ છે. જેમાં નવા લાયસન્સ માટે અરજી કરવી, લાયસન્સ રીન્યૂ કરવા, ડ્રાઇવર લાયસન્સ, લર્નિંગ લાયસન્સ વગેરે સેવાઓ 12 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. સારથી એપ્લિકેશનમાં મળતી અન્ય ઓનલાઇન સેવાઓ હાલમાં રાબેતા મુજબ શરૂ છે જેમ કે, વાહન રજિસ્ટ્રેશન, ફેન્સી નંબર એલોકેશન, નેશનલ પરમિટ વગેરે સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ હોવાનું કહેવાય છે. પરિવહન પોર્ટલના સારથી એપ્લિકેશનમાં ફક્ત લાયસન્સ સંબંધિત સેવાઓ જ 12 ફેબ્રુઆરી, 2024 સુધી બંધ રહેશે. આ એપ્લિકેશનમાં લાયસન્સ સંબંધિત સેવાઓ બંધ રહેવાને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે,
આ અંગે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી પોર્ટલની સારથી એપ્લિકેશન ડેટાબેઝના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે. તેના માટે દિલગીરી વ્યક્ત કરી છે. છેલ્લા 10 દિવસથી બંધ થયેલા સર્વરને કારણે ઇન્ટરનેશનલ લાયસન્સ મેળવવા ઈચ્છતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જોકે RTO દ્વારા આપવામાં આવતી તમામ ઓફલાઇન સેવાઓ રાબેતા મુજબ ચાલી રહી છે, જેમાં વાહનની ફિટનેસ, વાહનનું મોડિફિકેશન કે કન્વર્ઝન તથા વાહનમાં CNG કિટ લગાવવા માટે લેવી પડતી મંજૂરી સંબંધિત કામકાજ RTO કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે.