નવી દિલ્હીઃ કોવિડ-19 વૈશ્વિક મહામારીથી આજ સુધી વિશ્વમાં લોકોના આરોગ્ય અને જીવન નિર્વાહ પ્રભાવિત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાયરસે વિવિધ સ્વરૂપ (વેરિએન્ટ) ધારણ કરીને વૈશ્વિક આરોગ્યની સામે સતત જોખમ સર્જ્યુ છે અને દુનિયાના તમામ દેશ તેની ખરાબ અસરોથી પ્રભાવિત થયા છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર વિદેશથી આવનારા પ્રવાસીઓના 2 ટકા કોવિડ RTPCR રેન્ડમ સેમ્પલિંગ પણ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા અનેક દિવસોથી સમગ્ર દુનિયામાં કોવિડ-19 કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષથી ભારતમાં સતત કોવિડ કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં દરરોજ સરેરાશ 153 કોવિડના નવા કેસ સમગ્ર દેશમાં નોંધાઈ રહ્યા છે, જેની સામે સમગ્ર દુનિયામાં દરરોજ 5.87 લાખ કોવિડ નવા કેસો નોંધાઈ રહ્યા છે. જાપાન, સાઉથ કોરિયા, યુએસએ, ફ્રાંસ, ગ્રીસ, ઈટાલી જેવા દેશોમાં કોવિડ-19ના કેસોમાં અને કોવિડથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પ્રોએક્ટિવ, પ્રી-એમ્પ્ટિવ, હૉલ ગવર્નમેન્ટ એન્ડ હૉલ સોસાયટી અપ્રોચ સાથે શરૂઆતથી જ કોવિડ1-9 મહામારીનું મેનેજમેન્ટ કર્યુ છે અને તેના ખૂબ સારા પરિણામો પણ આપણને મળ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટેકનીકલ સહાયતા ઉપરાંત ભારત સરકારે નેશનલ હેલ્થ મિશન, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ કોષ, ઈમર્જન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજિસ અને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન વગેરેથી રાજ્યોને આર્થિક સહાય પ્રદાન કરીને રાજ્યોને કોવિડ વિરુદ્ધ પોતાના પ્રયત્નોમાં મદદ પૂરી પાડી છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સાથે પ્રયત્ન કરીને 220.02 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ લગાવીને વિક્રમ સર્જ્યો છે. જેમાં યોગ્યતા ધરાવતી 90 ટકા વસતીને બંને ડોઝ લાગી ચૂક્યા છે અને 22.35 કરોડ વસતીને પ્રીકોશન ડોઝ સામેલ છે.
કોવિડ-19ના નિયમનમાં ચાલી રહેલા સતત પ્રયાસો અંતર્ગત અને વૈશ્વિક રીતે વધી રહેલા કોવિડના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વૈશ્વિક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કોવિડ-19ના વિવિધ વેરિએન્ટ દ્વારા જાહેર આરોગ્યની સામે જે પડકારો સર્જાઈ રહ્યા છે, તેના પર સરકાર કદમ ઉઠાવી રહી છે. રાજ્યોને પણ સ્થાનિક સ્તરે સામુદાયિક દેખરેખ વધારવા માટે અને કોવિડને અંકુશમાં લેવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
રાજ્યોને જિનોમ સિક્વન્સિંગ વધારીને તમામ પોઝિટિવ કેસોનું જિનોમ સિક્વન્સિંગ કરવાની સલાહ આપવામાં આવી છે, જેનાથી જો દેશમાં કોઈ નવો વેરિએન્ટ ફેલાય તો સમયસર તેની ઓળખ કરીને જાહેર આરોગ્ય માટે કદમ ઉઠાવી શકાય છે. આવનારા તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોને સતર્ક રહીને લોકોમાં માસ્ક પહેરવા, હેન્ડ સેનિટાઈઝ કરવા, રેસ્પિરેટરી હાઈજિનનો ખ્યાલ રાખવો અને સામાજિક અંતર જાળવી રાખવાની જાગરૂકતા લાવવી જોઈએ.
રાજ્યોને કોવિડ વેક્સિનના પ્રીકોશન ડોઝ વધારવા પર અને લોકોને પ્રીકોશન ડોઝની મહત્તા પ્રત્યે જાગૃતિ લાવવાના કદમ ઉઠાવવા જોઈએ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર વિદેશથી આવનારા પ્રવાસીઓના 2 ટકા કોવિડ RTPCR રેન્ડમ સેમ્પલિંગ પણ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં ભારત અગાઉથી જ અમલી ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન-કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન’ નીતિ સાથે કોવિડ મેનેજમેન્ટ કરતું રહ્યું છે, તેને આગળ પણ ચાલુ રાખીશું. આ વૈશ્વિક મહામારીના નિયમન માટે સમર્પિત છે અને તમામ અગત્યના કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. ડોઝ લગાવવા ઉપરાંત સતર્ક રહીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.