અમદાવાદઃ કોરોનાનો નવો વેરિઅન્ટ આવ્યા બાદ દેશભરના તમામ એરપોર્ટ પર વિદેશ આવતા પ્રવાસીઓના ફરજિયાત આરટીપીસીઆર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે અમદાવાદ એરપોર્ટ પર 11 દેશોમાંથી આવતાં મુસાફરો માટે ટેસ્ટિંગ ફરજિયાત કર્યું હોવાની ગાઇડલાઇન બહાર પાડી છે. જોકે, હાલ કોઇપણ સ્થળેથી આવતાં મુસાફરોમાંથી જેમને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય અથવા તે ફુલ્લી વેક્સિનેટેડ ન હોય તો જ તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાય છે. અને ટેસ્ટ માટે સેમ્પલ લીધાં પછી તેમને જવા દેવાય છે. આ દરમિયાન તેમને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કર્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવતાં ઓછામાં ઓછા 8 કલાક લાગે છે. ત્યાં સુધી પ્રવાસીઓને રોકી રાખવા શક્ય નથી. આથી ટેસ્ટ માટે સેમ્પલ લીધાં પછી પણ દરેક વ્યક્તિને જવા દેવાય છે. જો તેમાંથી કોઇ સંક્રમિત હોય અને સંક્રમિત અન્ય લોકો સાથે સંપર્કમાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધુ ઝડપે ફેલાતાં વાઇરસના આ વેરિઅન્ટને કારણે ઘણી મુશ્કેલી સર્જાઇ શકે છે.
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દરેક મુસાફરને પોતાના સ્થળે જવા દેવાય છે અને એરપોર્ટ પર રોકી રખાતાં નથી. આરોગ્યની ટીમ તેમની મુલાકાત લઇને આરોગ્યનું ફોલોઅપ લેતી રહે છે. ટેસ્ટ સેમ્પલ પોઝિટિવ આવે તો તેની કાળજી અલગથી લેવાય છે. જે સેમ્પલ પોઝિટિવ આવે તેનું જિનોમ સિક્વન્સિંગ કરવા માટે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર પર મોકલવામાં આવે છે. હાલ દરરોજ 1000 પોઝિટિવ સેમ્પલને જિનોમ ટેસ્ટિંગ માટે મોકલવાનું લક્ષ્યાંક રાખ્યું છે. સદભાગ્યે હજુ સુધી એકપણ સેમ્પલમાં ચિંતાજનક વેરિઅન્ટ મળ્યો નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ માત્ર વિદેશથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે ડોમેસ્ટિક એરપોર્ટ પર આવતા દરેક મુસાફરનો ટેસ્ટ કરાતો નથી. લક્ષણો દેખાય તો જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. મ્યુનિ.એ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર કોરોના સ્કેનિંગ કરવા બે ટીમ તૈનાત કરી છે. થર્મલ ચેકિંગમાં મુસાફરનું બોડી ટેમ્પરેચર વધારે હોય તો જ રેપિડ ટેસ્ટ કરાય છે. મુસાફરનો ફરજિયાત ટેસ્ટ કરાતો નથી.
અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટ પર દરરોજ સરેરાશ ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 700થી 800 જેટલા મુસાફરો આવે છે. અમદાવાદથી શારજાહ, દુબઈ, કુવૈત, કતાર, અબુધાબી અને લંડનથી ફ્લાઈટ સંચાલિત થાય છે. જેમાં લંડન, દુબઈ, અબુધાબીની ફ્લાઈટ અઠવાડિયામાં જુદાજુદા દિવસે આવે છે. (file photo)