Site icon Revoi.in

વાઈબ્રન્ટ સમિટમાં તૈનાત 1200 કર્મચારીઓ તેમજ મંત્રીઓ, સચિવોના RTPCR ટેસ્ટ કરાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગમી તા. 10મીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.  સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, મહાનુભાવો આવવાના છે. વાઈબ્રન્ટ સમિટને લઈને પાટનગરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. બીજીબાજુ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ વધારો થતો જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આથી વાઈબ્રન્ટ સમિટ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. અધિકારીઓ તો સમિટને સફળ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. કોરોના સંક્રમણમાં ઉછાળો અને ઓમિક્રોનના ફેલાવા વચ્ચે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં સંક્રમણ ફેલાય નહીં તે માટેના તમામ તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે. સમિટના 24 કલાક પહેલા એટલે કે 9મી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે ફરજ પર મૂકાયા છે તે પોલીસ સહિતના તમામ 1200 જેટલા કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે સરકારે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાની સુચના આપી દીધી છે. એટલે સમિટમાં ભાગ લેવા આવનારા મહેમાનો સહિત ફરજ પરના કર્મચારીઓને પણ ફરજિયાત માસ્ક પહેરવા પડશે. અને સેનેટાઈઝની પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત રસીના બંને ડોઝ લીધા હોય છતાં પણ તમામ કર્મચારી- અધિકારીના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને જેનો રીપોર્ટ નેગેટીવ આવશે તે કર્મચારીઓને જ ફરજ સોંપવામાં આવશે. મહાત્મા મંદિરમાં વિવિધ દેશોના મહાનુભાવો આવવાના હોવાથી અને પોલીસ તેમજ અન્ય અધિકારી- કર્મચારીઓને તેમની વિઝીટના સંકલન તથા પ્રોટોકોલમાં મૂકવામાં આવનાર હોવાથી ટેસ્ટ કર્યા બાદ જ ડ્યૂટી સોંપવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ સચિવ કક્ષાના અધિકારીઓના પણ સમિટના 24 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. (FILE PHOTO)