Site icon Revoi.in

ધોરાજીમાં ઉબડ-ખાબડ માર્ગો, અને ગટરો ઊભરાવવાની સમસ્યા, લોકોએ વિરોધ કર્યો

Social Share

રાજકોટઃ   જિલ્લાના ધોરાજી શહેરમાં ઉબડ-ખાબડ બિસ્માર માર્ગોના  કારણે વાહનચાલકો અને લોકોની હાલત ભારે કફોડી બની છે. ખરાબ રસ્તાના કારણે તંત્ર સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે શહેરના રામપરા વિસ્તારના લોકોએ રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે, દાયકાઓ બાદ પણ રામપરા વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે. રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર છે કે, ઈમરજન્સી વાહનોને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં આવ્યા, પરંતુ હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

રાજકોટ જિલ્લાનું ધોરાજી મહત્વું શહેર છે, પરંતુ શહેરમાં વિકાસના કાર્યો થતા નથી. લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર,  સ્ટ્રીટ લાઈટ અને સફાઈ કરના નામે વેરાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા લોકોને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. શહેરમાં સફાઈ થતી નથી. ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ગંદકીના ગંજને ગંજ ખડકાયેલા છે. સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. ત્યારે આવા સમયે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાની જગ્યાએ કોરોનાના કપરા કાળમાં કરવેરાના નામે 840 રૂપિયા વધારી અને પ્રજાને ડામ આપ્યો છે. જેને લઇ ધોરાજીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો આ વેરો તાત્કાલિક ધોરણે પાછો ખેચવાની માગ કરી રહ્યા છે. શહેરમાં રોડ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટનો પણ પ્રશ્ન પણ ઉકેલાતો નથી. (file photo)