Site icon Revoi.in

ગોંડલમાં દીપડો આંટાફેરા મારતો હોવાની અફવા ફેલાતા વન વિભાગે તપાસ હાથ ધરી

Social Share

ગોંડલઃ શહેરમાં રાતના સમયે દીપડો આંટાફેરા મારતો હોવાથી વાતો વહેતી થતાં લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. રાતના સમયે લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. દરમિયાન શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર 15માં ગત 22 જૂનની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક CCTVમાં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેમના પગલે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવા કૂટેજો પણ મેળવાયા હતા. અને દીપડાના ફુટ પ્રિન્ટ પણ મેળવવાના પ્રયાસો કરાયા હતા. તપાસના અંતે દીપડો આટાફેરા મારતો હોવાના કોઈ પુરાવા હાથ લાગ્યા નહતા. ત્યારે વન વિભાગે લોકોને અફવા ન ફેલાવવાની અપીલ કરવામાં આવી હતી.

ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દીપડો હોવાની વાતો વાયુ વેગે ફેલાતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના આરએફઓ  દીપકસિંહ જાડેજા, ફોરેસ્ટર એચ.એમ.જાડેજા, સહદેવસિંહ જાડેજા અને ગોંડલની ટ્રેકર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ અને રાત્રિના આસપાસની સોસાયટીમાં અને સ્થળ તપાસ કરતા વન્ય પ્રાણીના ફૂટ માર્ક (પગના નિશાન) જોવા મળ્યા ન હતા. સ્ટેશન પ્લોટ સહિતની આસપાસની સોસાયટીમાં જૂનવાણી બંધ મકાનોમાં ફોરેસ્ટ વિભાગ અને ટ્રેકર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પણ ક્યાંય પણ કશું દેખાયું ન હતું.

આ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં 22 જૂનની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક પ્લોટમાં વન્ય પ્રાણી દેખાતું હોઈ તેવા CCTV સામે આવ્યા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ફૂટ માર્ક દેખાયા ન હતા સતત ત્રણ દિવસ અને રાત્રિના ફોરેસ્ટરોનું પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું. સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જુનવાણી (ખંઢેર) બંધ મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્યાંય પણ વન્ય પ્રાણી કે તેમના ફૂટ માર્ક દેખાયા ન હતા. શહેરીજનોએ આ વન્ય પ્રાણીની અફવાથી દૂર રહેવાની એક અપીલ કરી હતી.