અમદાવાદઃ ભારતીય સેનાના ગોલ્ડન કટાર ગનર્સે આજરોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રામાં ‘મિની મેરેથોન – રન ફોર ફન’નું આયોજન કર્યું હતું. તમામ સેવા કર્મચારીઓ, મહિલાઓ અને બાળકો માટે ત્રણ શ્રેણી હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનનો ઉદ્દેશ્ય દેશભક્તિ, ટીમ ભાવનાને ઉત્તેજીત કરવાનો અને સ્વતંત્રતા માટેના સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ બલિદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.
મેરેથોનને સ્ટેશન કમાન્ડર, મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. તેમણે સ્વતંત્ર ભારત તરફના તેમના સંઘર્ષ માટે તમામ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમ ઉચ્ચ ઊર્જાથી ભરેલો હતો અને દેશભક્તિના ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન આજથી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો હતો.