શહેરીકરણ તરફ દોડઃ દર 22 મિનિટે 25થી 30 લોકો ગામમાંથી શહેર તરફ કરે છે પ્રયાણ
દિલ્હીઃ ભારતમાં દર 22 મિનિટે 20થી 30 લોકો ગામ ઓછીને શહેર તરફ પલાયન કરતા હોવાનો જિનિવા સ્થિત વિશ્વ આર્થિક મંચ એટલે કે ડબલ્યુઈએફના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાશો થયો છે.
ડબલ્યુઈએફે જણાવ્યું હતું કે કોરોના સંકટ બાદ વૃદ્ધિની દ્રષ્ટીએ શહેરોની ભૂમિકા મોટી રહેશે. દેશની જીડીપીમાં શહેરોનું યોગદાન લગભગ 70 ટકા છે. ભારતમાં મોટાભાગે મોટા શહેરોમાં આર્થિક વિષમતા ઘણી વધારે છે અને ઝુંપડપટ્ટીના વધવાની સાથે સાથે મોટી સંખ્યામાં શહેરી ગરીબ વસ્તીમાં વધારો થયો છે. શહેરી પરિવારોના 35 ટકા અર્થાત 2.5 કરોડ પરિવાર મકાન ખરીદવાની સ્થિતિમાં નથી. વિશ્વ આર્થિક મંચના કાર્યકારી સમિતિના સભ્ય વિરાજ મહેતાએ જણાવ્યું હતું કે બહેતર રીતે તૈયાર શહેર ગતિશીલ કેન્દ્ર બની શકે છે. પડકારો અને દીર્ઘકાલીન પરિવર્તન લાવવાનો આ અવસર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગ્રામિણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. જો કે, કોરોનાને કારણે લોકોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે. પરંતુ શહેરી વિસ્તારમાં સરળતાથી નોકરી મળી હોવાથી લોકો ગામ છોડીને રોજગારીની શોધમાં શહેરોમાં આવે છે.