અમદાવાદમાં મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ માટે ધસારોઃ માત્ર 10 દિવસમાં 15,700 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને લીધે શિક્ષણને અસર થઈ છે. વિદ્યાર્થીઓને હાલ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે. સ્વનિર્ભર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી પુરતી ફિ વસુલવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ ઊઠી છે. ત્યારે હવે વાલીઓમાં હવે પોતાના બાળકોને સરકારી અને મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ અપાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. કોરોનાને કારણે લોકોને માનસિક અને આર્થિક રીતે પણ અસર પહોંચી છે.
લોકોના ધંધા રોજગાર પણ ધીમા પડ્યાં છે. જેની સીધી અસર શિક્ષણ પર વર્તાઈ છે. જે વાલીઓ મોંધી ફી ભરીને ખાનગી સ્કૂલોમાં તેમના બાળકોને એડમિશન અપાવતા હતાં. આજે તે જ વાલીઓને મોંઘી ફી નહીં પોસાતા મ્યુનિસિપાલિટીની શાળામાં પોતાના બાળકનું એડમિશન કરાવવા માટે લાઈનમાં ઉભા થયાં છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં 15 હજાર 700 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને કારણે વાલીઓને આર્થિક ફટકો પડ્યો છે. આવક ઓછી થવાથી વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પોસાય તેમ નથી. ગત વર્ષે કોરોનાને કારણે ફીમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉપરાંત સ્કૂલના સંચાલકોએ FRC પાસે ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. જેના કારણે સ્વનિર્ભર શાળાઓમાં ફીમાં તોતિંગ વધારો થવાની વાલીઓમાં શક્યતાઓ સેવાઈ રહી છે.
વાલીઓનું માનવું છે કે મોંઘી ફી આપીને ખાનગી સ્કૂલોમાં બાળકોને ભણાવવા કરતાં સરકારી સ્કૂલોમાં વિના મૂલ્યે બાળકોને તેવું જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી હવે વાલીઓ સરકારી સ્કૂલો તરફ વળ્યાં છે. હાલની સ્થિતિમાં મોંઘી ફી ભરીને બાળકોને ભણાવવા મુશ્કેલ છે. હાલમાં તમામ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે જે શિક્ષણ ખાનગી શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે. તે જ શિક્ષણ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં આપવામાં આવી રહ્યું છે. જેથી હવે કોર્પોરેશનની સ્કૂલો તરફ વાલઓની મીટ મંડરાયેલી છે. આવક ઓછી થવાના કારણે વધારે ફી ચુકવી શકાય તેમ નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે અત્યારે કોર્પોરેશનની અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં એડમિશન વધ્યા છે. ગત વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં 18 હજાર 216 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા. ત્યારે આ વર્ષે શરૂઆતના 10 દિવસમાં જ 17 હજાર 500 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે.ગત વર્ષે 2 થી 8 ધોરણ સુધીમાં ખાનગીમાંથી કોર્પોરેશન સ્કૂલોમાં 3 હજાર 500 કરતા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વાલીઓ સતત એડમિશન માટે ઈન્કવાયરી કરી રહ્યા છે. જરૂર પ્રમાણે 2 પાળીમાં વર્ગ ચલાવીશું અને શક્ય એટલે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીશું.