Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના વિરોધી વેક્સિન લેવા માટે ધસારોઃ 8મી મે સુધી સ્લોટ ફૂલ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી કોરોનાથી બચવા લોકોમાં સ્વયં જાગૃતિ જોવા મળી રહી છે. બીજીબાજુ હવે યુવાનો પણ કોરોના વિરોધી વેક્સિનેશન મુકવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જેના કારણે અમદાવાદના 33થી વધુ વેક્સિનેશન સેન્ટરો પર સ્લોટ આગામી 8 મે સુધી ફૂલ થઈ ગયા છે. એટલે કે હવે આ 33 સેન્ટરો પર 8 મે બાદ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

શહેરમાં પહેલા 60 વર્ષથી વધુના લોકોને વેક્સિન મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ 45થી 60 વર્ષ સુધીનો લોકોને વેક્સિન આપવામાં આવી હતી. હવે 18 વર્ષથી વધુ વયનો લોકોને વેક્સિન મુકવામાં આવી રહી છે. વધુ લોકો વેક્સિન લઈ લે તે માટે શહેરમાં 80થી વધુ વેક્સિનેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. શરૂઆતમાં વેક્સિનેશનની સ્પીડ ધીમી જોવા મળી હતી. પરંતુ જ્યાંથી 18થી વધુ ઉંમરનાને વેક્સિન આપવાની શરૂઆત થઈ રસી લેનારની લાઈનો લાગી રહી છે. મોટાભાગના સેન્ટરો પર સવારથી યુવાનો વેક્સિનેશન માટે ઉમટી પડે છે. હાલમાં 18+નું વેક્સિનેશન ઓનલાઈન રજિસ્ટ્રેશન મારફતે કરવામાં આવી રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. શહેરના 33 વેક્સિનેશન સેન્ટરો પર હાલમાં સ્લોટ આગામી 8 મે સુધી ફૂલ થઈ ગયા છે. ત્યારે કેટલાક સેન્ટરો પર ટેક્નિકલ ખામીઓના કારણે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ વેક્સિન ન મળતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ પોતાનો નંબર આવતા તેઓને વેક્સિન લીધા વગર પરત જવાનો વારો આવતા ભારે રોષ ફેલાય છે.રાજ્યમાં 1 લાખ 40 હજાર 443ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 91 હજાર 519 લોકોને પ્રથમ ડોઝ અને 27 લાખ 51 હજાર 964 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 28 લાખ 43 હજાર 483નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.  રાજ્યમાં 18થી 44 વર્ષના 36 હજાર 226ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 30 હજાર 678 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 65 હજાર 480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.