અમદાવાદઃ ગુજરાતમાં આગમી તા. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો થઈ જશે. તેના લીધે બિલ્ડરોથી લઈને પ્રોપર્ટીધારકો જમીનો અને મકાનોના દસ્તાવેજ કરાવવા માટે રજિસ્ટ્રારની કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. દરમિયાન ટોકન સિસ્ટમ અમલી બનાવીને નિયત સંખ્યામાં અરજદારોને બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઈન નોંધણી માટેનું સર્વર વારંવાર ઠપ થઈ જતું હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 15 એપ્રિલથી જંત્રી દર બમણા થવાના હોવાથી દસ્તાવેજ નોંધણી કચેરીમાં ભારે ધસારો છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે પરંતુ સર્વરની સમસ્યા ગંભીર છે. નવું સર્વર વારંવાર ખોટકાતું હોવાથી અરજદારોએ અડધી રાત્રે દસ્તાવેજ સબમિટ કરવા પડે છે. અમદાવાદ શહેરની 14 સબરજિસ્ટ્રાર કચેરીમાં રોજ સરેરાશ 1100 અને જિલ્લામાં 350 દસ્તાવેજ થાય છે. સરકારે લોકોની સરળતા માટે દસ્તાવેજની પ્રક્રિયા ઓનલાઇન કરી છે. પરંતુ ઓનલાઇન શરૂઆત થઇ ત્યારથી સર્વરની સતત સમસ્યા છે. દસ્તાવેજની પ્રક્રિયા માટે 2.0 સર્વરમાં મિલકત લેનાર તરફથી તમામ પુરાવા ઓનલાઇન સબમિટ કરવા પડે છે. હવે દિવસ દરમિયાન સર્વરની સતત સમસ્યા રહેતી હોવાથી એજન્ટો અડધી રાતે પ્રક્રિયા કરે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દસ્તાવેજની પ્રક્રિયા માટે કચેરી મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડે છે અથવા વહેલી સવારે ઓનલાઇન કામગીરી કરવી પડે છે. અમદાવાદની 14 સબરજિસ્ટાર કચેરીમાં રોજ 1100થી વધુ દસ્તાવેજ થાય છે. જ્યારે જિલ્લાના નવ તાલુકાઓમાં 350થી વધુ દસ્તાવેજ નોંધાયા છે. આમ અમદાવાદમાં એક દિવસમાં 1400થી વધુ દસ્તાવેજ નોંધાય છે. સ્ટાફની ઘટથી કેટલીક કચેરીમાં 8 કલાકથી વધુ કામ થાય છે. (file photo)