ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો, મહિનામાં 9.21 કરોડની કમાણી
અમદાવાદઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને ભરચક ટ્રાફિક મળી રહ્યો છે. મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી ત્રીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી ભાડાંની અર્થાત્ ટિકીટની આવક નવેમ્બર મહિનામાં રૂા. 9.21 કરોડે પહોંચી હતી. નવેમ્બરમાં મુંબઇથી ગાંધીનગર જવામાં રૂા. 4.49 કરોડની અને ગાંધીનગરથી મુંબઇની ભાડાંની આવક રૂા. 4.72 કરોડ થઇ હતી. વંદેભારત આ રૂટ ઉપર ચાલુ થઇ એને હજુ માત્ર બે મહિના જ થયા છે. ઓક્ટોબર મહિનામાં કુલ આવક રૂા. 8.25 કરોડની થઇ હતી. મુસાફરોનું ટ્રેન તરફનું આકર્ષણ જોતાં બે મહિનામાં જ ટ્રેન સરેરાશ 130 જેટલી ઓક્યુપન્સી મેળવતી થઇ ચૂકી છે.
પશ્વિમ રેવલેના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દાડતી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓનો સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે. વંદેભારતને લીધે બીજી ટ્રેનોના ટ્રાફિકમાં કોઇ ઘટાડો આવ્યો નથી. મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી જેવી ટ્રેનને કશો ફરક પડયો નથી. શતાબ્દી 100 ટકા ઓક્યુપન્સીથી દોડી રહી છે. નવી વંદેભારત ટ્રેન આ રૂટ ઉપર ચાલતા મુસાફરોને વધુ સારા વિકલ્પ તરીકે મળી છે. ગાંધીનગર-મુંબઈ વચ્ચે દાડતી વંદેભારત ટ્રેનમાં 16 કોચ છે. એમાં 1128 મુસાફરોની ક્ષમતા થાય છે. પાંચથી સાડા પાંચ કલાકમાં ગાંધીનગરથી મુંબઇ પહોંચે છે, ચેરકારમાં રૂા. 1275ની ટિકીટ મુંબઇથી ગાંધીનગર માટે છે. ગાંધીનગરથી મુંબઇ માટે રૂા. 1440 રાખવામાં આવ્યા છે. એક્ઝિક્યુટીવ ચેરકારના રૂા. 2455 મુંબઇથી ગાંધીનગર અને રૂા. 2650 ગાંધીનગરથી મુંબઇના છે. 30 સપ્ટેમ્બર 2022ના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદેભારતનો આરંભ કરાવ્યો હતો. ટ્રેનની ડિઝાઇન ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઇ ખાતે તૈયાર કરવામાં આવી છે પહેલી ટ્રેન રૂા. 97 કરોડના ખર્ચે જાન્યુઆરી 2019માં તૈયાર થઇને 15 ફેબ્રુઆરી 2019ના દિવસે લોન્ચ કરવામાં આવી હતી.