જંત્રીના વધવાના ભયથી રાજકોટની સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજોની નોંધણી માટે ધસારો,
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે જંત્રીના દર વધે તે પહેલા જ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓ પર દસ્તાવેજ નોંધણી માટે લાઈનો લાગી રહી છે. આવી સ્થિતિ રાજકોટ શહેરની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓની છે. જ્યાં સવારથી દસ્તાવેજોની નોંધણી માટે અરજદારોની લાઈનો લાગી જાય છે. આથી એપોઇન્ટમેન્ટ સ્લોટમાં વધારો કરવા સહિતના પ્રશ્ને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા નોંધણી નિરીક્ષક સમક્ષ એવી રજુઆતો કરવામાં આવી છે. કે, જંત્રી દરમાં વધારો થવાની શક્યતાની વાતો થઇ રહી છે ત્યારે આ વધારો થાય તે પહેલાં દસ્તાવેજો કરાવવા માગતાં અરજદારોની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે, પરંતુ લગભગ તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હાલ એપોઇન્ટમેન્ટ સ્લોટ એક અઠવાડિયાથી હાઉસફુલ થઇ ગયો હોય અને દસ્તાવેજ નોંધણીની કામગીરી અટકી પડી છે. આ ઉપરાંત ઓનલાઇન સર્ટિફાઇડ નકલમાં ઓનલાઇન નકલ ઝેરોક્સ જેવી નીકળતી હોય અને અનેક નકલોમાં બારકોડ આવતા ન હોય આવી નકલથી સર્ટિફાઇડ નકલ અને ઝેરોક્સ નકલમાં વધારે કઇ તફાવત રહેતો નથી. આથી નકલ માટે એક પેજના રૂ.20 ચાર્જ કરતા હોય તો આવા હલકા પેપર કોન્ટ્રાક્ટર દ્વારા કેમ વાપરવામાં આવે છે તે પ્રશ્ન ઉકેલવા તેમજ ફિઝિકલ નકલમાં પ્રથમ પાનામાં રબ્બર સીલ અમુક સબ રજિસ્ટ્રાર કચેરીમાં મારવામાં આવે છે અને અમુક કચેરીમાં મારવામાં આવતા ન હોય તેથી ઘણા પ્રશ્નો ઊભા થતા હોય એકસરખી સિસ્ટમ આખા જિલ્લામાં દાખલ કરવી જોઈએ. તેમજ દસ્તાવેજ નોંધણી સમયે બિલ્ડિંગ પ્લાનમાં બાંધકામમાં પ્રપોઝ્ડ એફએસઆઇ અને યુઝ્ડ એફએસઆઇ દર્શાવેલ હોય તેમાં કેટલાક સબ રજિસ્ટ્રાર પ્રપોઝ્ડ એફએસઆઇ મુજબ બાંધકામ બતાવવાનો દુરાગ્રહ રાખીને યેનકેન પ્રકારે પોતાની મેલી મુરાદ બર લાવતા હોય તે બંધ કરવા અને યુએલસીમાંથી જે જમીન નીકળી ગઇ છે તેની અપડેટેડ બુક બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે.