નવી દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ઘટના બાદ યુક્રેન-રશિયા યુદ્ધ આગામી દિવસોમાં વધારે જોરદાર બનવાની શકકયતા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને યુક્રેન દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી નથી.
ક્રેમલિને કહ્યું કે તે કથિત હુમલાને “સુનિયોજિત આતંકવાદી કૃત્ય અને રશિયન ફેડરેશનના પ્રમુખની હત્યાનો પ્રયાસ માને છે. ” બે માનવરહિત ઉપકરણ મારફતે ક્રેમલિનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તંત્ર દ્વારા બંને ઉપકરણને નિષ્ક્રિય કરવામાં આવ્યાં હતા.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પુતિન ઘાયલ થયા નથી અને ક્રેમલિન બિલ્ડિંગને કોઈ નુકસાન થયું નથી. ક્રેમલિન પેલેસની પાછળ આછો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. રશિયન સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ મોસ્કોના મેયરે રશિયન રાજધાની ઉપર અનધિકૃત ડ્રોન ઉડાન પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે “સરકારી સત્તાવાળાઓ” પાસેથી વિશેષ પરવાનગી મેળવવામાં ન આવે ત્યાં સુધી ડ્રોન ફ્લાઇટ્સ પ્રતિબંધિત રહેશે.
ક્રેમલિને કહ્યું કે, આ ઘટનના બાદ પણ મોસ્કોમાં 9 મેની વિજય દિવસની પરેડ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. વિજય દિવસ એ પુતિન માટે એક મહત્વપૂર્ણ વર્ષગાંઠ છે, જે દેશભક્તિની ભાવનાને ઉત્તેજન આપવાનો પ્રસંગ છે. આ દિવસે, સોવિયત સંઘના 27 મિલિયન લોકોના બલિદાનને યાદ કરવામાં આવે છે જેમણે હિટલરના નાઝીઓને ભગાડવા માટે પોતાનો જીવ આપ્યો હતો.
ક્રેમલિને કહ્યું હતું કે યુક્રેન તરફથી જોખમ હોવા છતાં 9 મેના રોજ મોસ્કોની વાર્ષિક વિજય દિવસની પરેડ સુરક્ષિત રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે રશિયન સુરક્ષા સેવાઓ કામ કરી રહી છે.
હુમલો કરનારા ડ્રોનને રશિયન ઊર્જા, લોજિસ્ટિક્સ અને લશ્કરી ફેસિલીટી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
મોસ્કોએ યુક્રેનમાં તેનું “સ્પેશિયલ મિલિટરી ઓપરેશન” શરૂ કર્યું ત્યારથી આ પ્રકારનો પ્રથમ કેસ છે. કિવએ આવા હુમલાઓની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી. જોકે તેણે વ્યંગાત્મક ટિપ્પણીઓ કરી છે. યુક્રેન રશિયન હુમલાનો વિરોધ કરી રહ્યું છે.