રશિયાએ સરહદે સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી: રિપોર્ટ
- રશિયા નરમ પડ્યું
- યુદ્ધ થવાની સંભાવના ઓછી થઈ
- રશિયાએ પોતાના સૈનિકોને પરત બોલાવ્યા
દિલ્હી: આખરે 2 મહિના પછી યુક્રેન અને રશિયાનો વિવાદ ખત્મ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનશેન્કોવે કહ્યું કે યુક્રેન સરહદ નજીકના જિલ્લાઓમાં તહેનાત કેટલાક સૈનિકોને ટ્રેનો અને ટ્રકોમાં પાછા તેમની ચોકીઓમાં મોકલાયા છે.
વિશ્વના તમામ દેશોમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચિંતા હતી કે યુદ્ધ ન થઈ જાય. આવામાં રશિયા તરફથી નરમ વલણ દાખવવામાં આવતા અમેરિકા સહિત કેટલાક દેશોને રાહત થઈ છે.
રશિયન સૈનિકો પાછા હટ્યાના સમાચાર અંગે યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે અમે લોકો પહેલાં જોઇશું અને પછી વિશ્વાસ કરીશું. સંકટ ટાળવા બ્રિટન, ફ્રાન્સથી માંડીને અમેરિકા અને બ્રાઝિલ સુધીના રાજદ્વારી પ્રયાસ કરી રહ્યા છે.
એક દિવસ પહેલાં જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો મોસ્કો ગયા હતા. અમેરિકા અને તેના સાથી દેશો માટે આ પગલું હતાશાભર્યું છે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સંકેત આપ્યો કે તે સુરક્ષાલક્ષી ફરિયાદો અંગે પશ્ચિમી દેશો સાથે વાતચીત માટે તૈયાર છીએ. આ ઘટનાક્રમો વચ્ચે હુમલાની આશંકા યથાવત્ છે.
ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ વધારે વકરે અને યુદ્ધ થાય તો ભારતને પણ આર્થિક રીતે વધારે નુક્સાન થઈ શકે તેમ છે. કારણ કે ભારત યુક્રેનને અબજો ડોલરની દવા મોકલે છે અને તેનાથી ભારતને જંગી આવક થાય છે.