Site icon Revoi.in

રશિયાનો ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો, 7 લોકોનાં મોત

Social Share

નવી દિલ્હીઃ રશિયાએ વહેલી સવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનિહુબોવે રશિયાએ કરેલા આ હુમલાની પુષ્ટિ કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયન હુમલાને ‘અત્યંત ક્રૂર’ ગણાવ્યો હતો અને પશ્ચિમી દેશો તરફથી પૂરતી એર ડિફેન્સ સિસ્ટમ (હવાઈ સંરક્ષણ પ્રણાલી) ના મળવા પર ફરીથી નિરાશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રશિયન સેનાએ તાજેતરમાં એક વ્યાપક ઓપરેશનના ભાગરૂપે ખાર્કિવના ઘણા ગામોને કબજે કર્યા છે.

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે, આ હુમલાઓ યુક્રેનના આકાશને સુરક્ષિત કરવા માટે યુએસ નિર્મિત પેટ્રિઓટ સિસ્ટમની તાત્કાલિક જરૂરિયાતને રેખાંકિત કરે છે. કુલેબાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે જર્મનીએ હાલમાં જ મિસાઈલ સિસ્ટમ પહોંચાડવાનું વચન આપ્યું હતું. શક્ય તેટલી ઝડપથી તેને પહોંચાડવું માત્ર યુક્રેનના અસ્તિત્વ માટે જ નહીં પરંતુ યુરોપમાં શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે.

જણાવી દઈએ કે, રશિયાએ બુધવારે યુક્રેનના વીજળીના પુરવઠાને સપ્લાય કરતા સ્ટેશનને પણ નિશાન બનાવ્યું હતું. ડ્રોન હુમલાને કારણે ઉત્તરી સુમી ક્ષેત્રમાં પાંચ લાખ લોકો અંધારામાં ડૂબી ગયા હતા. તાજેતરના અઠવાડિયામાં યુક્રેનના પાવર ગ્રીડ પર પુનરાવર્તિત રશિયન હુમલાઓએ યુદ્ધગ્રસ્ત દેશને દેશવ્યાપી બ્લેકઆઉટ લાદવાની ફરજ પાડી છે. જો કે, હુમલાઓનો સામનો કરવો અને પર્યાપ્ત હવાઈ સંરક્ષણ વિના સમારકામને મંજૂરી આપવાથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.