નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનની રાજધાની કિવ ઉપર મિસાઈલથી હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. રશિયાના જવાનો ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘુસી રહ્યાં છે. બોર્ડર ઉપર બે લાખથી વધારે રશિયાએ જવાનોને તૈનાત કર્યાં છે. દરમિયાન યુક્રેને કહ્યું હતું કે, અમારી ઉપર રુસ, બેલારુસ અને ક્રિમિયા બોર્ડ ઉપર હુમલા થયાં છે. તેમજ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. રશિયાએ કિવમાં મિસાઈલ એટેક પણ કર્યું છે. બીજી તરફ યુક્રેન તરફથી યુદ્ધ રોકવા માટે અપીલ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રશિયા દ્વારા કિવ ઉપર મિસાઈલ હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. જેથી એરપોર્ટ બંધ કરવામાં આવ્યો છે. યુક્રેને કહ્યું કે, અમે હુમલાનો જવાબ આપીશુ અને યુદ્ધ જીતુશુ, આ જ સમય છે કે સમગ્ર દુનિયાએ રશિયાને જવાબ આપજો જોઈએ અને તેને અટકાવવું જોઈએ. અમારી ઉપર હાલ ત્રણ તરફથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. લુહાંસ્ક, ખારકીવ, ચેરનીવ, સુમી અને જેટોમિર પ્રાંતમાં હુમલા થઈ રહ્યાં છે. રશિયાના ફાઈટર જેટને તોડી પાડવાનો યુક્રેને દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કર્યાંના પાંચ મિનિટ બાદ જ યુક્રેન ઉપર હવાઈ હુમલો શરૂ થયો હતો. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા બાદ દુનિયાભરમાં ખળભલાટ મચી ગયો છે. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, હુમલાને પગલે ભારતીયોને લેવા યુક્રેન ગયેલા એર ઈન્ડિયાના ફ્લાઈટને પરત ફરવું પડ્યું હતું. ફ્લાઈટને નોટિસ ટુ એર મિશન એટલે કે નોટમ મોકલવામાં આવ્યું હતું. એટલે કે, ખતરના આશંકા જાહેર કરવામાં આવી હતી.