નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે આજે પણ બંને દેશના જવાનો વચ્ચે જંગ ખેલાયું હતું. દરમિયાન બંને દેશના આગેવાનો દ્વારા યુદ્ધને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી યુદ્ધને રોકવા માટે કોઈ સહમતિ બની શકી નથી. રશિયા યુક્રેનના શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. ખાર્કિવ, કિવ સુમી જેવા વિસ્તારોમાં ઘણા મોટા બજારો, બાંધકામો ધ્વસ્ત થઈ ગયા છે. રશિયાએ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અંગે પણ અનેક પ્રતિબંધો જારી કર્યા છે. જો કે, યુક્રેન ઈચ્છે તો રશિયા હવે તેની સેના પાછી ખેંચી લેશે, પરંતુ રશિયાએ તેની સામે જે ચાર શરતો મૂકી છે તેને પૂરી કરવી પડશે. રશિયાનું કહેવું છે કે જો કિવ તેની શરતો સ્વીકારશે તો તે પોતાની સેના પાછી ખેંચી લેશે.
રશિયાનું કહેવું છે કે યુક્રેન તેની શરતો જાણે છે, જો તેણે સ્વીકાર્યું હોત તો યુદ્ધ આટલા લાંબા સમય સુધી ચાલ્યું ન હોત. રશિયાની ચાર શરતો છે – યુક્રેન સૈન્ય કાર્યવાહી બંધ કરે, તેનું બંધારણ બદલે, ક્રિમિયાને રશિયન પ્રદેશ તરીકે માન્યતા આપે અને ડોનેટ્સક અને લુગાન્સ્કને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપવાની માંગણી કરી છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કહ્યું, “એ વાત સાચી નથી કે અમે કિવ પર કબજો કરવા માંગીએ છીએ. અમે વાસ્તવમાં યુક્રેનના ડિમિલિટરાઇઝેશનને ખતમ કરી રહ્યા છીએ. અમે તેને સમાપ્ત કરીશું, પરંતુ મુખ્ય વાત એ છે કે યુક્રેન પોતાની સૈન્ય કાર્યવાહી રોકી દે અને ફરી કોઈ ગોળી નહીં ચલાવાય. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ઉમેર્યું હતું કે, “યુક્રેને બંધારણમાં સુધારો કરવો જોઈએ જે મુજબ યુક્રેન કોઈપણ બ્લોકમાં પ્રવેશવાના કોઈપણ ઈરાદાને નકારશે.” ક્રિમીયાને રશિયન ક્ષેત્રના રૂપમાં ઓળખવો જોઈએ. ક્રેમલિનના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે “યુક્રેનને એ ઓળખવાની જરૂર છે કે ડોનેટ્સક અને લુગાન્સ્ક સ્વતંત્ર રાજ્ય છે. જે ક્ષણે યુક્રેન આ શરતો સ્વીકારશે તો યુદ્ધ બંધ થઈ જશે. આ શરતો પર યુક્રેન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.