રશિયાએ યુક્રેનના પાંચ નાગરિકોને કર્યા ઠાર, તો યુક્રેને તોપમારો કરી રશિયાની ચોંકી ઉડાવી
- રશિયા યુક્રેન વચ્ચે વિવાદ
- રશિયાએ યુક્રેનના પાંચ નાગરિકો કર્યા ઠાર
- જવાબમાં યુક્રેને કર્યો રશિયા પર તોપમારો
દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે જે ધમાલ ચાલી રહી છે તેને લઈને હાલ સમગ્ર વિશ્વ ચિંતામાં છે. રશિયાની આર્મીએ દાવો કર્યો હતો કે રશિયાની સરહદમાં ઘૂસીને આતંક મચાવનારા યુક્રેનના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ નાગરિકો સૈનિકો હતા કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.
એ પહેલાં યુક્રેને તોપમારો કરીને રશિયાની ચોકીને તોડી પાડી હતી. આ ઘટનાઓ પછી બંને દેશ વચ્ચેની તંગદિલી યુદ્ધમાં પરિવર્તન થવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સેટેલાઈટ ઈમેજના આધારે એવો દાવો થયો હતો કે યુક્રેન-રશિયાની સરહદે હિલચાલ ખૂબ જ તીવ્ર થઈ ગઈ છે. તોપો, ટેન્કો, સૈનિકોની તૈનાતી સતત વધી રહી છે.
યુક્રેન સાથે સંઘર્ષ વચ્ચે રશિયન પ્રમુખ પુતિને બળતામાં ઘી હોમતા હોય તેમ પૂર્વીય યુક્રેનને માન્યતા આપવા મુદ્દે સોમવારે સિક્યોરિટી કાઉન્સિલ સાથે બેઠક યોજી હતી. રશિયન સંસદે પૂર્વી યુક્રેનને માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
હવે પ્રમુખ વ્લાદિમિર પુતિન આજે પૂર્વીય યુક્રેનને માન્યતા આપવાની જાહેરાત કરશે. આ અંગે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરાશે. જર્મની તથા ફ્રાન્સને પણ તેની માહિતી આપી દેવામાં આવી છે. પુતિને કહ્યું હતું કે રશિયાએ વિવાદ ઉકેલવા પ્રયાસો કર્યા છે.
યુક્રેન પર આક્રમણ કરવાની અમારી કોઈ યોજના નથી. નાટો કે અમેરિકાના આશ્વાસનોની જરૂર નથી એમ પણ રશિયન પ્રમુખે ઉમેર્યું હતું. પૂર્વી યુક્રેન ઉપર રશિયન સમિર્થક અલગતાવાદીઓનો અંકુશ છે. રશિયાએ યુક્રેનનું નાક દબાવવા એ મુદ્દે સંસદમાંથી ઠરાવ પણ પસાર કર્યો છે. પુતિને એ મુદ્દે સુરક્ષા પરિષદની બેઠક બોલાવીને ચર્ચા શરૂ કરી છે.