Site icon Revoi.in

 યુક્રેનમાં હુમલાની શંકા વચ્ચે રશિયાએ શરુ કર્યો પરમાણું અભ્યાસ – હાયપરસોનિક મિસાઈલ લોંચ કરી

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેન પર હુમલો કરવાના ફિરાકમાં હોવાનું અમેરિકા કહી રહ્યું છે, અને રશિયાએ પોતાના સૈનિકોની તૈનાતી પણ વધારી છે.ત્યારે હવે રશિયા યુક્રેન પર હુમલો કરશે તેવી આશંકા વચ્ચે રશિયાએ શનિવારે યુક્રેનિયન સરહદ નજીક પરમાણુ સશસ્ત્ર લશ્કરી કવાયત શરૂ કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને કવાયતની શરૂઆત કરી અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની સાથે નિયંત્રણ કેન્દ્રમાં બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણ પ્રક્ષેપણનું પણ પરીક્ષણ કર્યું.

હવે રશિયાના આ વ્યૂહાત્મક દાવપેચથી પશ્ચિમી દેશોની ચિંતા વધી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું માનવું છે કે રશિયાએ હુમલો કરવાનો નિર્ણય લીધો છે અને તે પરમાણુ હુમલાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યું છે.

રશિયાએ યુક્રેનની સરહદ નજીક 1.50 લાખ સૈનિકો, એરફિલ્ડ્સ અને આર્ટિલરી તૈનાત કર્યા હોવા છતાં, શનિવારે પરમાણુ દળ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. યુક્રેનની સરહદ નજીક શરૂ થયેલી આ કવાયતમાં અનેક મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેની ફાયરપાવર અને ચોકસાઈનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. . આ કવાયતમાં લાંબા અંતરની મિસાઈલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રશિયાએ આ પરમાણુ સૈન્ય અભ્યાસમાં ઘાતક હથિયારોનો સમાવેશ કર્યો છે. પરમાણુ કવાયતમાં હાઈટેક હાઈપરસોનિક, ક્રુઝ અને ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે જ સમયે, રશિયન બોમ્બર્સ, ટીય-95 અને સબમરીન, રશિયન જેટ, હેલિકોપ્ટર, ટેન્ક અને પેરાટ્રૂપર્સ, પાયદળ આ કવાયતમાં મોટા પાયે લશ્કરી કવાયતમાં સામેલ થયેલ જોવા મળે છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ પરમાણુ કવાયત તેના પહેલાથી જ ચાલી રહેલા દાવપેચનો એક ભાગ છે, જેની જાહેરાત રશિયાએ અગાઉ કરી હતી. દક્ષિણ અને કાળા સમુદ્રમાં તૈનાત તેની વાયુસેના, મિસાઇલ દળો અને સૈન્ય એકમો પણ આ અભ્યાસમાં સામેલ છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ કવાયતનો હેતુ સૈન્ય સજ્જતા, મિસાઈલ, પરમાણુ મિસાઈલની વિશ્વસનીયતા ચકાસવાનો છે. જો કે યુક્રેનનો દરિયાકાંઠાનો વિસ્તાર પણ રશિયન સૈન્ય અભ્યાસના દાયરામાં છે. તેનાથી યુક્રેનના બંદરો પર ખતરો વધી ગયો છે.ઉલ્લેખનીય છે કે આ કવાયત 10 દિવસ ચાલનાર છે.