નવી દિલ્હીઃ રશિયાએ ઓછી કિંમતમાં ક્રૂડ ઓઈલ આપવાની ઓફર ભારત સ્વીકારે તેવી શકયતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસેના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, જ્યારે ઈતિહાસ ઉપર પુસ્તક લખવામાં આવશે ત્યારે આપ ક્યાં હશો, રશિયાના નેતૃત્વનું સમર્થન વિનાશકારી પ્રભાવવાળા આક્રમણને સમર્થન છે.
અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ સિવાય રશિયા પર ઘણા વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ તમામ કારણોને લીધે તેને ઘણું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેને જોતા રશિયાએ ભારતને ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓ સસ્તામાં આપવાની વાત કરી છે. જો કે ભારતે હજુ સુધી આ ઓફર સ્વીકારી નથી, પરંતુ એવી ચર્ચા છે કે ભારત તેને સ્વીકારી શકે છે.
અત્યારે ક્રૂડ ઓઈલના ઉંચા ભાવને કારણે માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ અન્ય વસ્તુઓની કિંમતો પણ ઝડપથી વધી રહી છે. જો ભારતને તેલ સસ્તું મળશે તો અન્ય વસ્તુઓ પણ સસ્તી થશે. તેમજ તેના ગેરફાયદા પણ હોઈ શકે છે. હકીકતમાં, અમેરિકા અને વિશ્વના અન્ય દેશો જે રીતે રશિયા સામે નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધો ફરમાવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે અનેક જરૂરિયાતની વસ્તુઓ બંને દેશમાંથી આયાત કરે છે. બીજી તરફ યુદ્ધને પગલે ભારતે તટસ્થ સ્ટેન્ડ અપનાવ્યું છે અને બંને દેશોને વાતચીતથી ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી.