Site icon Revoi.in

રશિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા યુદ્ધની ફિરાકમાં: બ્રિટન

Social Share

દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર હાલ તમામ દેશની નજર છે. દરેક દેશ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા આક્રમણની તૈયારી કરી રહ્યા છે.

યુક્રેન અને રશિયા બોર્ડર પર કઈ પણ થાય અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો દરેક દેશને આર્થિક રીતે નુક્સાન થવાની સંભાવના છે. બીજી તરફ અમેરિકા પણ સતત દાવો કરી રહ્યું છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે છે.

બ્રિટનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, એવા સંકેતો મળી રહ્યા છે કે પુતિને યુદ્ધની યોજના કંઈક અંશે શરૂ પણ કરી દીધી છે. પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક બળવાખોરોની હિંસા વચ્ચે રશિયાએ અમેરિકા, પશ્ચિમી દેશોની ચેતવણીઓ છતાં યુક્રેન નજીક બેલારુસમાં રશિયન અને બેલારુસના સૈન્ય દળોની કવાયત લંબાવી છે.

જાણકારોના કહેવા અનુસાર રશિયા બેલારુસના રસ્તે આક્રમણની તૈયારી કરી રહ્યું છે, જેથી 28 લાખની વસતી ધરાવતા યુક્રેનની રાજધાની ક્યિવને ઘેરી શકાય. મ્યુનિચ સુરક્ષા સંમેલન પછી બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે યોજના અમે જોઈ રહ્યા છીએ, તે મુજબ વ્યાપક્તાના આધારે વર્ષ 1945 પછી યુરોપમાં આ સૌથી મોટું યુદ્ધ હોવાની શક્યતા છે.

દરમિયાન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે રશિયાને ચેતવણી આપી હતી કે તે યુક્રેન પર હુમલો કરશે તો તેણે તેની ‘અભૂતપૂર્વ’ આર્થિક કિંમત ચૂકવવી પડશે. આવા હુમલાથી યુરોપીયન દેશો અમેરિકાની નજીક આવશે. કમલા હેરીસનો આશય યુરોપીયન દેશોને એ બતાવવાનો છે કે પશ્ચિમી દેશોમાં એકતાના માધ્યમથી શક્તિ છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે, યુક્રેન પર આક્રમણની સ્થિતિમાં રશિયાના દરવાજે નાટોના દળો ઊભા હશે.