- ફરીથી રશિયાની યાત્રા કરી શકશે ભારતીયો
- મોસ્કોએ વિઝા આપવાનું કર્યું શરૂ
- રશિયા સાથે નથી થયો એર બબલ કરાર
રશિયા હવે ભારતીય નાગરિકો માટે તમામ કેટેગરીના વિઝા આપવાનું શરૂ કરશે. નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 16 જાન્યુઆરીએ રશિયન કોવિડ -19 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા લીધેલા નિર્ણયની સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયન સરકારે 25 જાન્યુઆરીએ એક આદેશ આપ્યો હતો કે, ભારત સહિતના ઘણા દેશો સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરસ્પર ધોરણે ફરી શરૂ કરવામાં આવશે.
રશિયન દૂતાવાસે જણાવ્યું હતું કે મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે ફ્લાઇટ અઠવાડિયામાં બે વાર ચલાવવામાં આવે તેવી અપેક્ષા છે, પરંતુ તેઓ ક્યારે શરૂ થશે તે વિશે જણાવ્યું નથી. દૂતાવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય નાગરિકોને હવાઇ માર્ગે રશિયામાં પ્રવેશ માટે તમામ કેટેગરીના વિઝા આપવામાં આવશે. ઉપરાંત, જેમને રશિયામાં રોકાવાની પરવાનગી છે, તેમને વિઝા આપવામાં આવશે.
ગુરુવારે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વાણીજય ફ્લાઇટ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી વધાર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાવાયરસ મહામારીને કારણે 10 મહિના પહેલા વિદેશી ફ્લાઇટ પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરીએ પુરો થવાનો હતો,પરંતુ સરકારે તેને આગળ ધકેલી દીધો. સમર્પિત કાર્ગો ફ્લાઇટ અને પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય ફ્લાઇટ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની પરવાનગી હેઠળ સંચાલન કરવાનું ચાલુ રાખશે.
સરકારે 24 દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર કર્યો છે,જેના દ્વારા આ દેશો સાથે ફ્લાઇટનું સંચાલન થઇ રહ્યું છે. જોકે, રશિયા આ 24 દેશોની સૂચિમાં નથી, જેની સાથે ભારતે એર બબલ કરાર કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે,કોરોના વાયરસ મહામારી શરૂ થયા પછી, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો, કેટલાક દેશોએ દ્વિપક્ષીય કરાર હેઠળ ફરીથી વિમાનનું સંચાલન શરૂ કર્યું છે.
-દેવાંશી