નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે દુનિયાના વિવિધ દેશો ચિંતિત છે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને પગલે દુનિયાના દેશોની ચિંતા વધી છે. હાલ યુક્રેન બોર્ડર ઉપર સ્થિતિ ચિંતાપૂર્ણ બનેલી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા તરફથી સાત હજાર વધારાના સૈનિકોને બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. આમ બદલાતા સમીકરણો વચ્ચે ભારતે પહેલીવાર આ વિવાદ ઉપર સત્તાવાર નિવેદન આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારત તરફથી આ વિવાદ ઉપર સેન્ટડ જાહેર કરાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે, નવી દિલ્હી જેમ બને તેમ સ્થિતિ સામાન્ય બને તેવા પ્રયાસ કરી રહ્યું છે. હાલ તણાવ ઘટવાની જગ્યાએ વધે તેવા પગલાથી બચવાની જરૂર છે. માત્રને માત્ર કુટનીતિથી આ સમસ્યાનો નિકાલ આવી શકે છે. ભારત તમામના સંપર્કમાં છે અને બધાને કહે છે કે, કૂટનીતિથી રસ્તો શોધવો જોઈએ.
ભારતે પોતાના સત્તાવાર નિવેદનમાં એ વાતનું પણ પુરતુ ધ્યાન રાખ્યું કે, તેમનું સ્ટેન્ડ એક તરફી ના રહે. એટલે જ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, હાલ માત્રને માત્ર તણાવ હળવો કરવો જોઈએ. દરેક દેશની સુરક્ષાને લઈને મંથન જરૂરી છે જેથી શાંતિની સ્થાપના થઈ શકે. તેમજ તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા દેશની પહેલી પ્રાથમિકતા છે. આ તણાવને ઓછો કરવા માટે ભારત Minsk agreementનું સમર્થન કરે છે. 2014 અને 2015માં બેલારુસની રાજધાની મિન્સ્કમાં સમજુતી થઈ હતી. તેને મિન્સ્ક સમજુતી કહેવાય છે. વર્ષ 2014માં થયેલી સમજૂતીને મિન્સ્ક-1 અને 2015માં થયેલી સમજુતીને મિન્સ્ક-2 કહેવામાં આવે છે.